Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પિતરનો બીજો પત્ર

પિતરનો બીજો પત્ર 3

Help us?
Click on verse(s) to share them!
1પ્રિય ભાઈઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું; અને બન્ને પત્રોથી તમારાં શુદ્ધ મનોને ચેતવણી આપતાં કહું છું કે,
2પવિત્ર પ્રબોધકોથી જે વાતો અગાઉ કહેવાઈ હતી તેનું અને પ્રભુ તથા ઉદ્ધારકર્તાની તમારા પ્રેરિતોની મારફતે અપાયેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો.
3પ્રથમ એમ જાણો કે છેલ્લાં દિવસોમાં મશ્કરીખોરો આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે.
4અને કહેશે કે, 'તેમના (ઈસુના) આગમનનું આશાવચન ક્યાં છે? કેમ કે પૂર્વજો ઊંધી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહ્યું છે.'
5કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે કે ઈશ્વરની આજ્ઞાથી આકાશો અગાઉથી હતાં અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી.
6તેથી તે સમયની દુનિયા પાણીમાં ડૂબીને નાશ પામી.
7પણ હમણાંનાં આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલાં છતાં બાળવાને માટે તૈયાર રાખેલાં છે.
8પણ વહાલાં ભાઈ-બહેનો, આ એક વાત તમે ભૂલશો નહિ કે પ્રભુની દ્રષ્ટિએ એક દિવસ હજાર વર્ષોના જેવો અને હજાર વર્ષો એક દિવસના જેવા છે.
9વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના આશાવચન સંબંધી વિલંબ કરતા નથી, પણ કોઈનો નાશ ન થાય પણ બધાં પસ્તાવો કરે, એવું ઇચ્છીને પ્રભુ તમારે વિષે ધીરજ રાખે છે.
10પણ જેમ ચોર આવે છે, તેમ ઈશ્વરનો દિવસ આવશે, તે વેળાએ આકાશો ભારે ગર્જનાસહિત જતા રહેશે અને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વી તથા તે પરનાં કામોને બાળી નાખવામાં આવશે.
11તો એ સર્વ આ પ્રમાણે નાશ પામનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવાં થવું જોઈએ?
12ઈશ્વરના જે દિવસે આકાશો સળગીને ભસ્મીભૂત થશે તથા તત્વો બળીને પીગળી જશે તેમના આગમનના એ દિવસની રાહ જોતાં તેમની અપેક્ષા રાખવી.
13તોપણ આપણે તેમના આશાવચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની રાહ જોઈએ છીએ.
14એ માટે, વહાલાંઓ, તેઓની રાહ જોતાં યત્ન કરો કે, તમે તેમની નજરમાં નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહો.
15અને આપણા પ્રભુનું ધૈર્ય ઉદ્ધાર છે એમ માનો; આપણા વહાલાં ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ વિષે લખ્યું છે.
16તેમ તેના સર્વ પત્રોમાં પણ આ વાતો વિષે લખ્યું છે. તે પત્રોમાં કેટલીક વાત સમજવામાં અઘરી છે, જેમ બીજા શાસ્ત્રવચનોને તેમ એ વાતોને પણ અજ્ઞાની તથા અસ્થિર માણસો પોતાના નાશને સારુ મારીમચડીને ઊંધો અર્થ આપે છે.
17માટે, તમે અગાઉથી જાણીને સાવધ થાઓ કે, અધર્મીઓની આકર્ષાઈને પોતાની સ્થિરતાથી ડગી જાઓ નહિ.
18પણ આપણા પ્રભુ તથા ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્તની કૃપામાં અને જ્ઞાનમાં તમે વૃદ્ધિ પામો; તેમને હમણાં તથા સદાસર્વકાળ મહિમા હો. આમીન.