Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગલાતીઓને પત્ર

ગલાતીઓને પત્ર 5

Help us?
Click on verse(s) to share them!
1આપણે બંધનમાં ન રહીએ માટે ખ્રિસ્તે આપણને સ્વતંત્ર કર્યા છે; તેથી સ્થિર રહો અને ફરીથી દાસત્વની ઝૂંસરી નીચે ન જોડાઓ.
2જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.
3દરેક સુન્નત કરાવનારને હું ફરીથી ખાતરીપૂર્વક કહું છું કે, તે આખું નિયમશાસ્ત્ર પાળવાને જવાબદાર છે.
4તમે જેઓ નિયમશાસ્ત્રના પાલનથી ન્યાયી ઠરવા ચાહો છો, તેઓ ખ્રિસ્તથી અલગ થયા છો; તમે કૃપાથી દૂર થયા છો.
5કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયીપણું પામવાની આશાની રાહ જોઈએ છીએ.
6કેમ કે ખ્રિસ્ત ઈસુમાં સુન્નત કે બેસુન્નત ઉપયોગી નથી; પણ માત્ર વિશ્વાસ કે જે પ્રેમ દ્વારા કાર્ય કરે છે તે જ ઉપયોગી છે.
7તમે સારી રીતે દોડતા હતા, તમને સત્યને અનુસરતા કોણે રોક્યા?
8આવું કરવાની સમજ તમને તેડનાર તરફથી અપાતી નથી.
9એક સડેલી કેરી બધી કેરીઓને બગાડે છે. થોડું ખમીર સમગ્ર કણકને ફુલાવે છે.
10તમારે વિષે પ્રભુમાં મને ભરોસો છે કે તમે આનાથી જુદો મત નહિ ધરાવો; જે કોઈ તમને અવળે માર્ગે દોરશે તે શિક્ષા પામશે.
11ભાઈઓ, જો હું હજી સુધી સુન્નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજુ પણ મારી સતાવણી કેમ થાય છે? એટલા માટે થાય છે કે વધસ્તંભનો મારો ઉપદેશ નિરર્થક નથી.
12જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!
13કેમ કે, ભાઈઓ, તમને સ્વતંત્ર થવા તેડવામાં આવ્યા હતા; માત્ર એટલું જ કે તમારી સ્વતંત્રતા શારીરિક વિષયભોગને અર્થે ન વાપરો, પણ પ્રેમથી એકબીજાની સેવા કરો.
14કેમ કે આખું નિયમશાસ્ત્ર એક જ વચનમાં પૂરું થાય છે, એટલે, 'જેમ તું પોતાના પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.'
15પણ જો તમે એકબીજાને કરડો અને ફાડી ખાઓ, તો સાવધાન રહો, કદાચ તમે એકબીજાથી નાશ પામો.
16પણ હું કહું છું કે, આત્માની દોરવણી અનુસાર ચાલો અને તમે દેહની વાસના તૃપ્ત કરશો નહિ.
17કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઇચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ; કારણ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે; અને તેથી જે તમે ઇચ્છો તે તમે કરતા નથી.
18પણ જો તમે આત્માની દોરવણી મુજબ વર્તો છો, તો તમે નિયમશાસ્ત્રને આધીન નથી.

19દેહનાં કામ તો દેખીતાં છે, એટલે જાતીય અનૈતિકતા, અશુદ્ધતા, લંપટપણું,
20મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, કજિયાકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી,
21અદેખાઇ, સ્વચ્છંદતા, ભોગવિલાસ તથા તેઓના જેવા કામો; જેમ પહેલાં મેં તમને ચેતવ્યાં હતા તેમ તેઓ વિષે હમણાં પણ ચેતવું છું કે, જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.
22પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
23નમ્રતા અને આત્મસંયમ છે; આ બાબતોની વિરુદ્ધ કોઈ નિયમ નથી.
24અને જેઓ ખ્રિસ્તનાં છે, તેઓએ દેહને તેની વાસનાઓ તથા ઇચ્છાઓ સહિત વધસ્તંભે જડ્યો છે.
25જો આપણે આત્માથી જીવીએ છીએ તો આત્માની દોરવણી પ્રમાણે ચાલવું પણ જોઈએ.
26આપણે એકબીજાને ખીજવીને તથા એકબીજા પર અદેખાઇ રાખીને ઘમંડ ન કરીએ.