16 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો લઈ લે, પારકાનો જામીન થનારને જવાબદાર ગણ.
17 અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જાય છે.
18 દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે ચતુરની સૂચના પ્રમાણે તારે યુદ્ધ કરવું.
19 જે કૂથલી કરવા માટે અહીંતહીં ભટકે છે તે ગુપ્ત વાતો પ્રગટ કરે છે માટે એવા માણસના કામમાં હાથ નાખતો નહિ.
20 જો કોઈ વ્યક્તિ પોતાનાં માતા કે પિતાને શાપ આપે છે, તો તેનો દીવો ઘોર અંધકારમાં હોલવી નાખવામાં આવશે.
21 જે વારસો જલદીથી સંપાદન કરવામાં આવે છે તેનો અંત આશીર્વાદિત થશે નહિ.
22 “હું દુષ્ટતાનો બદલો લઈશ!” એવું તારે ન કહેવું જોઈએ; યહોવાહની રાહ જો અને તે તને ઉગારી લેશે.
23 જુદાં જુદાં વજનિયાંને યહોવાહ ધિક્કારે છે અને ખોટું ત્રાજવું રાખવું એ સારું નથી.