Text copied!
Bibles in Gujarati

લેવીય 25:4-25 in Gujarati

Help us?

લેવીય 25:4-25 in ગુજરાતી બાઇબલ

4 પરંતુ સાતમે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ, એટલે યહોવાહનો સાબ્બાથ થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહિ અને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહિ.
5 જમીન પર જે પોતાની જાતે ઊગી નીકળ્યું હોય તે તમારે કાપવું નહિ અથવા કાપકૂપ વગરની દ્રાક્ષની વાડીઓમાં જે દ્રાક્ષ બેસે તે તમારે લેવી નહિ. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું વર્ષ થાય.
6 એ વિશ્રામના વર્ષમાં ખેડ્યા વગરની જમીનમાં આપોઆપ જે કંઈ ઊપજ થશે તે તમારો, તમારા દાસ, દાસીઓનો, તમારા મજૂરોનો અને તમારી મધ્યે વસતા પરદેશીઓનો તે ખોરાક થશે;
7 અને જમીનમાં જે કંઈ ઊપજ થશે તે તમારાં જાનવરોનો અને દેશના વન્ય જાનવરોનો પણ તે ખોરાક થશે.
8 તમારે પોતાના માટે સાત વર્ષનાં સાત વિશ્રામ ગણવાં, એટલે કે સાત વાર સાત વર્ષ, એટલે ઓગણપચાસ વર્ષ.
9 પછી સાતમા માસના દશમે દિવસે એટલે કે પ્રાયશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં મોટા સાદે ઘેટાંનું રણશિંગડું વગડાવવું.
10 અને પચાસમાં વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે છુટકારાનો ઢંઢેરો પિટાવવો. તમારા માટે તે રણશિંગડાનું એટલે જ્યુબિલીનું વર્ષ છે. અને તમારે દરેક જણે પોતપોતાના વતનમાં અને કુટુંબમાં પાછા આવવું.
11 એ પચાસમાંનું વર્ષ તમારા માટે રણશિંગડાનું પર્વ થાય. એ વર્ષે તમારે કાંઈ વાવવું નહિ, અને પોતાની જાતે જે ઊગ્યું હોય તે ખાવું. તેમ જ કાપકૂપ કર્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ વીણી લેવી.
12 કારણ, એ તો જ્યુબિલી છે, તેને તમારે પવિત્ર ગણવી. એ વર્ષે ખેતરોમાં આપમેળે ઊગી નીકળેલો પાક તમારે ખાવો.
13 જ્યુબિલીના વર્ષે પ્રત્યેક વ્યક્તિએ પોતપોતાના વતનમાં પાછા જવું.
14 જો તમે તમારા પડોશીને જમીન વેચો કે ખરીદો તો તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ.
15 જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષો પ્રમાણે તમારે તમારા પડોશી પાસેથી ખરીદી કરવી અને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે.
16 જો વર્ષો વધારે બાકી હોય તો કિંમત વધારે ઠરાવવી અને ઓછા વર્ષ બાકી હોય તો કિંમત ઓછી ઠરાવવી, કેમ કે જે વેચાય છે તે જે પાક મળશે તેના ધોરણે તે આપે છે.
17 તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
18 મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો.
19 ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો.
20 તમે કહેશો કે, “જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?”
21 સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.
22 તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો.
23 જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો.
24 ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે.
25 જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે.
લેવીય 25 in ગુજરાતી બાઇબલ