Text copied!
Bibles in Gujarati

લેવીય 25:17-33 in Gujarati

Help us?

લેવીય 25:17-33 in ગુજરાતી બાઇબલ

17 તમારે એકબીજાને છેતરવા નહિ કે ખોટું કરવું નહિ; પણ તેને બદલે તમારે તમારા ઈશ્વરનો ભય રાખવો. કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.
18 મારા વિધિઓ, મારા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહેશો.
19 ભૂમિ મબલખ પાક આપશે અને તમે ધરાતાં સુધી ખાશો તેમ જ તમે સુરક્ષિત રહેશો.
20 તમે કહેશો કે, “જો સાતમા વર્ષે અમે વાવીએ નહિ અથવા ઊપજનો સંગ્રહ કરીએ નહિ તે વર્ષે અમે શું ખાઈએ?”
21 સાંભળો, છઠ્ઠા વર્ષે હું તમને ત્રણ વર્ષ ચાલે તેટલાં મબલખ પાકથી આશીર્વાદિત કરીશ.
22 તમે આઠમે વર્ષે વાવશો ત્યારે પણ તમે આગળના વર્ષના પાકમાંથી ખાતા હશો, નવમે વર્ષે તમે નવો પાક ઘરમાં લાવશો ત્યાં સુધી તમે છઠ્ઠા વર્ષના સંગ્રહ કરેલા પાકમાંથી ખાશો.
23 જમીન સદાને માટે નવા માલિકને વેચાય નહિ. કેમ કે જમીન મારી છે. તમે માત્ર પરદેશીઓ અને યાત્રીઓ તરીકે મારી જમીન પર રહો છો.
24 ખરીદ વેચાણમાં એક શરત એવી હોવી જ જોઈએ કે જમીનને વેચનાર માણસ ગમે ત્યારે તેને પાછી ખરીદી શકે છે.
25 જો તમારા ઇઝરાયલી ભાઈઓ ગરીબ થઈ જાય અને તેને કારણે જો તે તેની જમીનનો થોડો ભાગ વેચે, તો તેનો નજીકનો સંબંધી આવીને તેના ભાઈઓએ જે વેચી કાઢ્યું હોય તેને પાછી ખરીદી શકે છે.
26 તેની જમીન છોડાવવાને જો કોઈ નજીકનો સંબંધી ના હોય પણ તે સમૃદ્ધિ પામ્યો હોય અને તેને છોડાવવાની તેની પાસે સક્ષમતા હોય,
27 તો તેણે વેચાણ પછી વીતેલાં વર્ષો હિસાબમાં ગણવા અને જેને તેણે તે જમીન વેચી હોય તેને ભરપાઈ કરવું. અને તે જમીન તેને તે પાછી આપે.
28 પરંતુ જો તે જમીન પાછી લેવા સક્ષમ ન હોય તો જ્યુબિલીના વર્ષ સુધી જે માણસે તેને ખરીદી હોય તેની પાસે તે રહે. જ્યુબિલીના વર્ષે જે માણસે જમીન વેચેલી તેને એટલે તેના મૂળ માલિકને પાછી આપવામાં આવે.
29 જો કોઈ માણસ નગરમાંનું તેનું ઘર વેચે, તો વેચાણ પછી પૂરા એક વર્ષ સુધી તેને ફરીથી ખરીદી લેવાનો હક્ક રહે.
30 જો પૂરા એક વર્ષ દરમિયાન તે પાછું ખરીદી લેવામાં ના આવે તો તે ઘરની કાયમની માલિકી નવા માલિકની અને તેના વંશજોની થાય.
31 પણ જ્યુબિલી વર્ષમાં તે મૂળ માલિકને પાછું ન મળે, કોટ વગરનાં ગામડાનાં મકાનો જમીન જેવાં ગણાય, તે પાછાં ખરીદી લેવાનો હક્ક કાયમ રહે અને જુબિલી વર્ષમાં તો તે ઘરો મૂળ માલિકને પાછું મળવું જોઈએ.
32 તેમાં એક અપવાદ છે, લેવીના મકાનો કોટવાળાં નગરોમાં હોય તો પણ તેને ગમે ત્યારે છોડાવી શકાય.
33 જો કોઈ લેવી એવા શહેરમાં આવેલું પોતાનું મકાન પાછું ન ખરીદી લે, તો તે જુબિલીના વર્ષમાં તેને પાછું મળી જાય; કારણ, લેવીઓનાં શહેરમાંનાં મકાન એ તેમની ઇઝરાયલમાંની સંપત્તિ છે.
લેવીય 25 in ગુજરાતી બાઇબલ