Text copied!
Bibles in Gujarati

લેવીય 22:10-27 in Gujarati

Help us?

લેવીય 22:10-27 in ગુજરાતી બાઇબલ

10 તે પવિત્ર વસ્તુઓમાંથી કોઈ યાજકના પરિવારના બહારના માણસે ખાવું નહિ. પછી ભલે તે યાજકનો મહેમાન હોય કે તેણે રાખેલો ચાકર હોય.
11 પણ જો કોઈ યાજક તેના પોતાના પૈસાથી ચાકરને ખરીદે તો તે તેમાંથી ખાય. યાજકનું કુટુંબ અને તેના ઘરમાં જન્મેલા પણ તે ખોરાકમાંથી ખાય.
12 જો યાજકની દીકરીના લગ્ન જે પુરુષ યાજક ન હોય તેની સાથે થયા હોય, તો તેણે પણ પવિત્ર અર્પણોમાંથી ખાવું નહિ.
13 પણ જો યાજકની દીકરી વિધવા હોય અથવા છૂટાછેડા આપેલી હોય, તેનું ભરણપોષણ કરવાને કોઈ પુત્ર ન હોય અને તે પોતાના પિતાના કુટુંબમાં પાછી આવી હોય, તો તે પોતાના પિતાના પવિત્ર અર્પણોમાંથી ખાવાનું ખાઈ શકે છે. આ સિવાય જેઓ યાજકોના કુટુંબમાં નથી તેઓએ આ અર્પણોમાંથી ખાવું નહિ.
14 જો કોઈ વ્યક્તિ અજાણતા આ પવિત્ર અર્પણોમાંથી ખાય તો, તેની કિંમતના વીસ ટકા ઉમેરીને યાજકને તે મૂલ્ય ભરપાઈ કરી આપે.
15 યાજકો ઇઝરાયલીઓની પવિત્ર વસ્તુઓ કે જે યહોવાહને તેઓ અર્પણ કરે છે, તેઓને અશુદ્ધ ન કરે.
16 અને એમ તેઓએ પવિત્ર અર્પણોને ખાઈને પોતાના પાપમાં વધારો ન કરવો અને તેને અપવિત્ર ન કરવું. તેઓને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.'”
17 યહોવાહે મૂસાને કહ્યું,
18 “તું હારુનને અને તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલના લોકોને કહે કે જો કોઈ ઇઝરાયલી અથવા તેઓની વચ્ચે રહેતો વિદેશી પોતે લીધેલા સંકલ્પો પૂરા કરવા માટે કે ઐચ્છિકાર્પણ માટે યહોવાહની આગળ દહનીયાર્પણ ચઢાવે,
19 તો તેઓએ પશુઓમાંનાં, ઘેટાંમાંથી, બકરામાંથી કે અન્યમાંથી એબરહિત નર ચઢાવવો એ માટે કે તેઓ માન્ય થાય.
20 પણ તમારે ખામીવાળું કોઈ પણ પશુ ચઢાવવું નહિ. તેને હું તમારા લાભમાં સ્વીકારીશ નહિ.
21 જો કોઈ વ્યક્તિ સંકલ્પો પૂરા કરવા અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહ સમક્ષ શાંત્યર્પણ કરે તો તે પશુ બળદ અથવા ઘેટો હોય અને તે એબરહિત હોય તો જ તે માન્ય થશે.
22 તમારે યહોવાહને અંધ, અપંગ, ઈજા પામેલ અંગવાળું, ખૂજલી કે ખરજવાવાળું કોઈ પશુ યહોવાહને ચઢાવવું નહિ, તેમ જ વેદી પર યહોવાહને સારુ હોમયજ્ઞ પણ કરવો નહિ.
23 જો કોઈ બળદ અથવા ઘેટું યહોવાહને અર્પણ કરવામાં આવે અને જો તેને વધારાના અંગો કે ઓછા અંગો હોય તેવાને ઐચ્છિકાર્પણ તરીકે અર્પણ કરવાની છૂટ છે પણ માનતાને સારુ તે માન્ય નહિ કરાય.
24 જે પશુના અંડકોશ છૂંદી, કચડી, ચીરી કે કાપી નાખવામાં આવ્યા હોય તેને તમારે યહોવાહને ચઢાવવું નહિ. તમારા દેશમાં એવાઓને ચઢાવવા નહિ.
25 અને જે પરદેશીઓ એવાં પશુઓને યહોવાહને માટે અર્પણ તરીકે લાવે, તો તમારે તેનો સ્વીકાર કરવો નહિ. કેમ કે તેઓની અંદર ખામી અને બગાડ છે. હું તેને તમારા લાભમાં માન્ય કરીશ નહિ.'”
26 યહોવાહે મૂસાને કહ્યું,
27 “જ્યારે કોઈ વાછરડું, લવારું કે ઘેટું જન્મે ત્યારે સાત દિવસ સુધી તેને તેની મા પાસેથી કોઈએ લઈ લેવું નહિ. આઠમા દિવસે અને તે પછી તે યહોવાહને સારુ હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે.
લેવીય 22 in ગુજરાતી બાઇબલ