Text copied!
Bibles in Gujarati

લૂક 8:15-35 in Gujarati

Help us?

લૂક 8:15-35 in ગુજરાતી બાઇબલ

15 અને સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સંદેશો સાંભળીને પ્રમાણિક તથા સારાં હૃદયથી વાત ગ્રહણ કરે છે, અને ધીરજથી ફળ આપે છે.
16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી; પણ તેને દીવી પર મૂકે છે કે અંદર આવનારાઓને અજવાળું મળે.
17 કારણ કે, એવી કોઈ છૂપી વસ્તુ નથી કે તે ખુલ્લી નહિ થાય અને જણાશે નહિ, તથા ઉધાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત નથી.
18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને અપાશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેનું જે છે તે પણ લઈ લેવાશે.'
19 ઈસુનાં મા તથા ભાઈઓ તેમની પાસે આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની પાસે જઈ શક્યા નહિ.
20 અને ઈસુને કોઈએ ખબર આપી કે, 'તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા રહ્યાં છે, અને તમને મળવા માગે છે.'
21 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'આ જેઓ ઈશ્વરનાં વચનને સાંભળે છે તથા પાળે છે તેઓ મારાં મા તથા ભાઈઓ છે.'
22 એક દિવસે એમ થયું કે, ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા; ત્યારે ઈસુએ શિષ્યોને કહ્યું કે, 'આપણે સરોવરને સામે પાર જઈએ;' અને તેઓ નીકળ્યા.
23 અને તેઓ હંકારતા હતા એટલામાં ઈસુ ઊંધી ગયા; અને સરોવર પર પવનનું ભારે તોફાન આવ્યું; પાણીથી હોડી ભરાઈ જવા લાગી, ને તેઓ જોખમમાં આવી પડ્યા.
24 એટલે શિષ્યોએ ઈસુ પાસે આવ્યા, અને તેમને જગાડીને કહ્યું કે, 'ગુરુજી ગુરુજી, અમે નાશ પામીએ છીએ!' ત્યારે તેમણે ઊભા થઈને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તોફાન બંધ થયું અને શાંતિ થઈ.
25 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમારો વિશ્વાસ ક્યાં છે?' તેઓ ભયથી આશ્ચર્ય પામ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે, 'આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે અને તે તેમનું માને છે?'
26 ગાલીલને સામે કાંઠે આવેલા ગેરાસીનીઓના દેશમાં તેઓ પહોંચ્યા.
27 પછી ઈસુ કિનારે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમની સામે આવ્યો. તેને દુષ્ટાત્માઓ વળગેલો હતો; ઘણાં સમયથી તે પોતાનાં વસ્ત્રો પહેરતો ન હતો. અને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.
28 તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો અને મોટે ઘાંટે કહ્યું કે, 'ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે અને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે મને પીડા ન દો.'
29 કારણ કે ઈસુએ અશુદ્ધ આત્માને તે માણસમાંથી બહાર નીકળવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટાત્મા તે માણસને વારંવાર વળગ્યા કરતો હતો; અને તેઓ તેને સાંકળોથી તથા બેડીઓથી બાંધતા, પણ તે બંધનો તોડી નાખીને જંગલમાં જતો રહેતો હતો.
30 ઈસુએ તેને પૂછ્યું કે, 'તારું નામ શું છે?' તેણે કહ્યું કે, 'સેના,' કેમ કે તેનામાં ઘણાં દુષ્ટાત્માઓ હતાં.
31 દુષ્ટાત્માઓએ ઈસુને વિનંતી કરી કે, 'અમને નીકળીને અનંતઊંડાણમાં જવાનો હુકમ ન કરો.'
32 હવે ત્યાં ઘણાં ભૂંડોનું ટોળું પર્વતની બાજુ પર ચરતું હતું; અને તેઓએ તેમને વિનંતી કરી કે, અમને 'તેઓમાં પેસવાની રજા આપો.' ઈસુએ તેઓને રજા આપી.
33 દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયાં; અને ટોળું ટેકરા ઉપરથી ધસારાભેર સમુદ્રમાં પડી ગયું અને ડૂબી મર્યું.
34 જે થયું તે જોઈને ભૂંડ ચરાવનારા ભાગ્યા, અને શહેરમાં તથા ગામડાંઓમાં જઈને તે વિષે ખબર આપી.
35 જે થયું તે જોવા સારુ લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા; ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યાં હતાં તેને તેઓએ કપડાં પહેરેલો તથા હોશમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો; અને તેઓ ભયભીત થયા.
લૂક 8 in ગુજરાતી બાઇબલ