Text copied!
Bibles in Gujarati

લૂક 22:31-62 in Gujarati

Help us?

લૂક 22:31-62 in ગુજરાતી બાઇબલ

31 'સિમોન, સિમોન, જો, શેતાને તમને ઘઉંની પેઠે ચાળવા સારુ કબજે લેવા માગ્યા.
32 પણ મેં તારે સારુ પ્રાર્થના કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ; અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.'
33 તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા તથા મરવા પણ તૈયાર છું.'
34 પણ ઈસુએ કહ્યું કે, 'પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, 'હું તને ઓળખતો નથી', એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.'
35 પછી તેણે તેઓને પૂછ્યું કે, 'જયારે થેલી તથા પગરખાં વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?' તેઓએ કહ્યું કે, 'કશાની નહિ.'
36 ત્યારે તેમણે તેઓને કહ્યું, 'પણ હમણાં જેની પાસે નાણાં હોય તે રાખે, થેલી પણ રાખે, અને જેની પાસે તરવાર ના હોય તે પોતાનું કપડું વેચીને તરવાર ખરીદી રાખે.
37 કેમ કે હું તમને કહું છું કે, 'તે અપરાધીઓની સાથે ગણાયો', એવું જે લખેલું છે તે મારા સંદર્ભે હજી પૂરું થવું જોઈએ; કારણ કે મારા સંબંધીની વાતો પૂરી થાય છે.'
38 તેઓએ કહ્યું કે, 'પ્રભુ, જો બે તરવાર આ રહી;' તેણે તેઓને કહ્યું કે, 'એ બસ છે.'
39 બહાર નીકળીને પોતાની રીત પ્રમાણે ઈસુ જૈતૂન પહાડ પર ગયા; શિષ્યો પણ તેમની પાછળ ગયા.
40 ઈસુ તે જગ્યાએ આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું કે, 'પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો.'
41 આશરે પથ્થર ફેંકાય તેટલે દૂર તે તેઓથી ગયા, અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરતાં કહ્યું કે,
42 'હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો આ પ્યાલો મારાથી દૂર કરો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.'
43 આકાશમાંથી ઈસુને બળ આપતો એક સ્વર્ગદૂત તેમને દેખાયો.
44 તેમણે વેદના સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી, અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
45 પ્રાર્થના કરીને ઊઠયા પછી ઈસુ પોતાના શિષ્યોની પાસે પાછા આવ્યા, ત્યારે તેઓને થાકને લીધે નિદ્રાવશ થયેલા જોયા,
46 ઈસુએ તેઓને કહ્યું કે, 'કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો.'
47 તે હજી બોલતા હતા એટલામાં, જુઓ, ઘણાં લોકો આવ્યા, યહૂદા નામે બાર શિષ્યોમાંનો એક તેઓની આગળ ચાલતો હતો; તે ઈસુને ચુંબન કરવા સારુ તેમની પાસે આવ્યો.
48 પણ ઈસુએ તેને કહ્યું, 'શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરાધીન કરે છે?'
49 જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, 'પ્રભુ, અમે તરવાર મારીએ શું?'
50 તેઓમાંનાં એકે પ્રમુખ યાજકના ચાકરને તરવારનો ઝટકો માર્યો, અને તેનો જમણો કાન કાપી નાખ્યો.
51 પણ ઈસુએ કહ્યું કે, 'હવે બસ કરો'. અને તેમણે ચાકરનાં કાનને સ્પર્શીને સાજો કર્યો.
52 જે મુખ્ય યાજકો તથા ભક્તિસ્થાનના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, 'જેમ લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા લાકડીઓ લઈને કેમ આવ્યા છો?
53 હું રોજ તમારી સાથે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ હાલ તમારો અને અંધકારનાં અધિકારનો સમય છે.'
54 તેઓ ઈસુની ધરપકડ કરીને લઈ ગયા. પ્રમુખ યાજકના ઘરમાં તેમને લાવ્યા. પણ પિતર દૂર રહીને તેમની પાછળ ચાલતો હતો.
55 ચોકની વચમાં તાપણું સળગાવીને તેઓ તાપવા બેઠા ત્યારે પિતર તેઓની સાથે બેઠો હતો.
56 એક દાસીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ સતત જોઈ રહીને કહ્યું કે, 'આ માણસ પણ તેમની સાથે હતો.'
57 પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, 'બહેન, હું તેમને ઓળખતો નથી.'
58 થોડીવાર પછી બીજાએ તેને જોઈને કહ્યું કે, “તું પણ તેઓમાંનો છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ, હું એમાંનો નથી.”
59 આશરે એક કલાક પછી બીજાએ ખાતરીથી કહ્યું કે, “ખરેખર આ માણસ પણ તેમની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે.”
60 પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” અને તરત, તે બોલતો હતો એટલામાં મરઘો બોલ્યો.
61 પ્રભુએ ફરીને પિતરની સામે જોયું. અને પિતરને પ્રભુનું વચન યાદ આવ્યું કે, “ઈસુએ તેને કહ્યું હતું કે, આજ મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.”
62 તે બહાર જઈને બહુ જ રડ્યો.
લૂક 22 in ગુજરાતી બાઇબલ