Text copied!
Bibles in Gujarati

લૂક 15:11-29 in Gujarati

Help us?

લૂક 15:11-29 in ગુજરાતી બાઇબલ

11 વળી ઈસુએ કહ્યું કે, 'એક માણસને બે દીકરા હતા.
12 તેઓમાંના નાનાએ પિતાને કહ્યું કે, પિતાજી, મિલકતનો જે મારો ભાગ આવે તે મને આપો; તેથી તેણે પિતાએ તેઓને (ભાઈઓને) પોતાની મિલકત વહેંચી આપી.
13 અને થોડા દિવસો પછી નાનો દીકરો બધું ભેગું કરીને દૂર દેશમાં ચાલ્યો ગયો, અને ત્યાં મોજમજામાં પોતાની સંપત્તિ વેડફી નાખી.
14 અને તેણે બધું ખલાસ કરી નાખ્યું, ત્યાર પછી તે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તેને તંગી પડવા લાગી.
15 તે જઈને તે દેશના વતનીઓમાંના એકને ત્યાં રહ્યો; તેણે તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા માટે તેને મોકલ્યો.
16 ખેતરમાં જે શિંગો ભૂંડો ખાતાં હતાં તેનાથી પોતાનું પેટ ભરવાનું તેને મન થતું હતું; કોઈ તેને કશું ખાવાનું આપતું નહિ.
17 એવામાં તે ભાનમાં આવ્યો અને તેને થયું કે, મારા પિતાના કેટલા બધા મજૂરોને પુષ્કળ રોટલી મળે છે ને હું તો અહીં ભૂખે મરું છું!
18 હું ઊઠીને મારા પિતાની પાસે જઈશ, અને તેમને કહીશ કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે;
19 હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી; તારા મજૂરોમાંના એકના જેવો મને રાખ.
20 પછી તે ઊઠીને પોતાના પિતાની પાસે ગયો, અને તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો, તેમને અનુકંપા આવી, અને તેના પિતા દોડીને તેને ભેટ્યા તથા તેના પર વાત્સલ્ય વરસાવ્યું.
21 દીકરાએ તેમને કહ્યું કે, પિતાજી, મેં સ્વર્ગ વિરુદ્ધ તથા તમારી આગળ પાપ કર્યું છે, હવે હું તમારો દીકરો કહેવાને યોગ્ય નથી.
22 પણ પિતાએ પોતાના નોકરોને કહ્યું કે, સારાંમાં સારો ઝભ્ભો જલદી લાવીને એને પહેરાવો; એને હાથે રત્નજડિત વીંટી અને પગમાં બૂટ પહેરાવો;
23 ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરો. આવો આપણે મિજબાની કરીએ અને આનંદ મનાવીએ.
24 કેમ કે આ મારો દીકરો મૃત્યુ પામ્યો હતો, તે પાછો સજીવન થયો છે; તે ખોવાયેલો હતો, તે પાછો મળ્યો છે અને તેઓ આનંદ કરવા લાગ્યા.
25 હવે પિતાનો મોટો દીકરો ખેતરમાં હતો; તે ત્યાંથી ઘરે આવતાં ઘરની નજીક આવી પહોંચ્યો, ત્યારે તેણે નાચગાનનો અવાજ સાંભળ્યો.
26 તેણે ચાકરોમાંના એકને બોલાવીને પૂછ્યું કે, આ શું ચાલી રહ્યું છે?
27 ચાકરે તેને કહ્યું કે, તમારો ભાઈ પાછો આવ્યો છે, ને તમારા પિતાએ મોટી મિજબાની આપી છે, કેમ કે તે તેમને સહીસલામત પાછો મળ્યો છે.
28 પણ તે ગુસ્સે થયો, અને અંદર જવા માટે રાજી ન હતો. તેના પિતાએ બહાર આવીને તેને વિનંતી કરી.
29 પણ તેણે તેના પિતાને ઉત્તર આપતા કહ્યું કે, જો, આટલાં બધાં વર્ષથી હું તમારી ચાકરી કરું છું, અને તમારી આજ્ઞા મેં કદી ઉથાપી નથી, તોપણ મારા મિત્રોની સાથે ખુશાલી કરવા સારુ તમે મને લવારુંય કદી આપ્યું નથી.
લૂક 15 in ગુજરાતી બાઇબલ