Text copied!
Bibles in Gujarati

લૂક 12:28-47 in Gujarati

Help us?

લૂક 12:28-47 in ગુજરાતી બાઇબલ

28 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તે તમને પહેરાવશે, એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?
29 અમે શું ખાઈશું કે શું પીશું, એની શોધ ન કરો, અને એમ કહેતાં ચિંતા ન કરો.
30 કેમ કે દુનિયાના લોકો તે સઘળા વાનાં શોધે છે; પણ તમારો પિતા જાણે છે કે તે વાનાંની તમને અગત્ય છે.
31 પરંતુ તમે ઈશ્વરનું રાજ્ય શોધો; અને એ વાનાં પણ તમને અપાશે.
32 ઓ નાની ટોળી, ડરશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે.
33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે સ્વર્ગમાં અખૂટ દ્રવ્ય, પોતાને સારુ મેળવો; કે જ્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી.
34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.
35 તમારી કમરો બાંધેલી તથા તમારો દીવો સળગેલો રાખો;
36 અને જે માણસો પોતાનો માલિક લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે, એ માટે કે તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને સારુ દ્વાર ઉધાડે, તેઓના જેવો તમે થાઓ.
37 જે દાસોને માલિક આવીને જાગતા જોશે તેઓ આશીર્વાદિત છે; હું તમને નિશ્ચે કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે.
38 જો તે બીજે પહોરે આવે, કે ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ કરતાં જુએ, તો તે દાસો આશીર્વાદિત છે.
39 પણ આટલું સમજો કે ઘરનો માલિક જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહેત, ને પોતાના ઘરમાં ચોરી થવા ન દેત.
40 તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય તે ઘડીએ માણસનો દીકરો આવશે.
41 પિતરે કહ્યું કે, 'પ્રભુ, તું આ દ્રષ્ટાંત અમને, કે સર્વને કહે છે?'
42 પ્રભુએ કહ્યું કે, જેને તેનો માલિક પોતાના ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા સારુ પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન કારભારી કોણ છે?
43 જે ચાકરને તેનો માલિક એમ કરતો જોશે તે આશીર્વાદિત છે.
44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને કારભારી ઠરાવશે.
45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો માલિક આવતાં વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મરવા લાગશે, અને ખાવાપીવા અને છાકટો થવા લાગશે;
46 તો જે દહાડે તે વાટ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, તેવામાં તે દાસનો માલિક આવશે, અને તેને કાપી નાખશે, અને તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.
47 જે દાસ પોતાની માલિકની ઇચ્છા જાણ્યાં છતાં પોતે સિદ્ધ થયો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.
લૂક 12 in ગુજરાતી બાઇબલ