Text copied!
Bibles in Gujarati

લૂક 11:18-37 in Gujarati

Help us?

લૂક 11:18-37 in ગુજરાતી બાઇબલ

18 જો શેતાન પણ પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ ટકે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું ભૂતો કાઢું છું.
19 જો હું બાલઝબૂલની મદદથી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
20 પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
22 પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
23 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
24 અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
25 અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
26 ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.'
27 એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, 'જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.'
28 પણ ઈસુએ કહ્યું હા, પણ તે કરતા જેઓ ઈશ્વરનું વચન સાંભળે છે અને પાળે છે તે આશીર્વાદિત છે.'
29 સંખ્યાબંધ લોકો તેમની પાસે ભેગા થયા હતા ત્યારે તે કહેવા લાગ્યા કે, 'આ પેઢી તો દુષ્ટ પેઢી છે; તે ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાનાં ચમત્કારિક ચિહ્ન વિના બીજું ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ.
30 કેમ કે જેમ યૂના નિનવેહના લોકોને માટે નિશાનીરૂપ થયો, તેમ માણસનો દીકરો પણ આ પેઢીને નિશાનીરૂપ થશે.'
31 દક્ષિણની રાણી આ પેઢીનાં માણસોની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેઓને અપરાધી ઠરાવશે; કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનનું જ્ઞાન સાંભળવા આવી હતી, અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.
32 નિનવેહના માણસો આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠશે, અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો; અને જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.
33 કોઈ માણસ દીવો સળગાવીને તેને ભોંયરામાં કે માપ તળે મૂકતો નથી, પણ દીવી પર મૂકે છે એ માટે કે અંદર આવનારાઓ તેનું અજવાળું જુએ.
34 તારા શરીરનો દીવો તારી આંખ છે; જયારે તારી આંખ સ્વચ્છ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ પ્રકાશે ભરેલું થશે; પણ તે ખરાબ હોય છે, ત્યારે તારું આખું શરીર પણ અંધકારે ભરેલું રહેશે;
35 તેથી તારામાં જે અજવાળું છે તે અંધકાર ન હોય, માટે સાવધાન રહે.
36 જો તારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય, અને તેનો કોઈ પણ ભાગ અંધકારરૂપ હોય તો જેમ દીવો પોતાની રોશનીથી તને અજવાળું આપે છે તેમ તારું આખું શરીર પ્રકાશથી ભરેલું થશે.'
37 ઈસુ બોલતા હતા ત્યારે એક ફરોશીએ પોતાની સાથે જમવાને તેમને નિમંત્રણ આપ્યું, ઈસુ તેની પાસે જઈને જમવા બેઠા.
લૂક 11 in ગુજરાતી બાઇબલ