10 કેમ કે જે કોઈ માગે છે તેઓ પામે છે, અને જે શોધે છે તેઓને જડે છે, અને જે ખટખટાવે છે તેઓને સારુ ઉઘાડવામાં આવશે.
11 વળી તમારામાંના એવો કોઈ પિતા છે ખરો, જે છોકરો રોટલી માગે તો તે તેને પથ્થર આપશે? અથવા જો માછલી માગે તો શું માછલીને બદલે તે તેને સાપ આપશે?
12 અથવા જો તે ઈડું માગે તો શું તે તેને વીંછી આપશે?
13 માટે જો તમે ખરાબ હોવા છતાં તમારાં છોકરાંને સારાં વાનાં આપી જાણો છો, તો સ્વર્ગમાંના બાપની પાસે જેઓ માગે, તેઓને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?'
14 તેઓ એક મૂંગા દુષ્ટાત્માને કાઢતાં હતા. એમ થયું કે દુષ્ટાત્મા નીકળ્યા પછી જે માણસ પહેલા બોલતો ન હતો તે બોલ્યો. તેથી લોકોને આશ્ચર્ય લાગ્યું.
15 પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે, 'ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી તે ભૂતોને કાઢે છે,'
16 બીજાઓએ પરીક્ષા કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગ્યું.
17 પણ ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને કહ્યું કે, 'હરેક રાજ્ય જેમાં ફૂટ પડે છે તે ઉજ્જડ થાય છે; અને ઘરમાં ફૂટ પડે, તો તે પડી જાય છે;
18 જો શેતાન પણ પોતાની સામો થયેલો હોય તો તેનું રાજ્ય કેમ ટકે? કેમ કે તમે કહો છો કે, બાલઝબૂલની મદદથી હું ભૂતો કાઢું છું.
19 જો હું બાલઝબૂલની મદદથી ભૂતો કાઢું છું તો તમારા દીકરાઓ કોની મદદથી ભૂતો કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે.
20 પણ જો હું ઈશ્વરની આંગળીથી દુષ્ટાત્માઓ કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી મધ્યે આવ્યું છે.
21 બળવાન માણસ હથિયારબંધ થઈને પોતાની હવેલી સાચવે છે, ત્યારે તેનો માલ સલામત રહે છે;
22 પણ જયારે તેના કરતાં વધારે બળવાન માણસ તેના પર આવી પડીને તેને જીતે ત્યારે તેનાં સઘળા હથિયાર જેનાં પર તે ભરોસો રાખતો હતો તે તેની પાસેથી લઈ લે છે, અને તેની લૂટ વહેંચે છે.
23 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, અને જે મારી સાથે ભેગું નથી કરતો તે ફેલાવે છે.
24 અશુદ્ધ આત્મા કોઈ માણસમાંથી નીકળ્યા પછી નિર્જળ જગ્યાઓમાં વિસામો શોધતો ફરે છે; પણ તે ન મળતાં, તે કહે છે કે, મારા જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં હું પાછો જઈશ.
25 અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું તથા શોભાયમાન કરેલું હોય છે.
26 ત્યારે તે જઈને પોતાના કરતા દુષ્ટ એવા બીજા સાત દુષ્ટાત્માઓને સાથે લઈ આવે છે; અને તેઓ એકસાથે ત્યાં રહે છે; અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ખરાબ થાય છે.'
27 એમ થયું કે ઈસુ આ બોધ કરતા હતા, ત્યારે લોકોમાંથી એક સ્ત્રીએ મોટે અવાજે તેમને કહ્યું કે, 'જે જનેતાએ તમને જન્મ આપ્યો અને જેણે તમને સ્તનપાન કરાવ્યું તે આશીર્વાદિત છે.'