Text copied!
Bibles in Gujarati

યોહાન 8:19-36 in Gujarati

Help us?

યોહાન 8:19-36 in ગુજરાતી બાઇબલ

19 તેઓએ તેમને કહ્યું કે, 'તારો પિતા ક્યાં છે?' ઈસુએ ઉત્તર આપ્યો કે, 'તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.'
20 ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.
21 તેમણે તેઓને ફરીથી કહ્યું કે, 'હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.'
22 યહૂદીઓએ કહ્યું કે, 'શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.'
23 ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.
24 માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.'
25 માટે તેઓએ તેમને પૂછ્યું, 'તમે કોણ છો?' ઈસુએ તેઓને કહ્યું કે, 'પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.'
26 મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.'
27 તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.
28 ઈસુએ કહ્યું, 'જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.
29 જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.'
30 ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.
31 તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, 'જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;
32 અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'
33 તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?'
34 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, 'હું તમને ખાતરીપૂર્વક કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,
35 હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે.
36 માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.
યોહાન 8 in ગુજરાતી બાઇબલ