Text copied!
Bibles in Gujarati

યોહાન 19:1-23 in Gujarati

Help us?

યોહાન 19:1-23 in ગુજરાતી બાઇબલ

1 ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા.
2 સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો;
3 તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, 'ઓ યહૂદીઓના રાજા, સલામ!' અને તેઓએ તેમને મુક્કીઓ મારી.
4 પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, 'હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
5 ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાત તેઓને કહ્યું કે, 'આ માણસને જુઓ!'
6 જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
7 યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, 'અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.
8 તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો;
9 અને તે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, 'તું ક્યાંનો છે?' પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.
10 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'શું તું મને કશું કહેતો નથી?' શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?'
11 ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'ઉપરથી અપાયા વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.'
12 આથી પિલાતે તેમને છોડવાની કોશિશ કરી; પણ યહૂદીઓએ ઊંચા અવાજે કહ્યું કે, 'જો તમે આ માણસને છોડી દો, તો તમે કાઈસારનાં મિત્ર નથી; જે કોઈ પોતાને રાજા ઠરાવે છે, તે કાઈસારની વિરુદ્ધ બોલે છે.
13 ત્યારે તે સાંભળીને પિલાત ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગ્યા જેને હિબ્રૂ ભાષામાં 'ગાબ્બાથા' કહે છે, ત્યાં ન્યાયાસન પર બેઠો.
14 હવે પાસ્ખાની તૈયારીનો દિવસ હતો અને લગભગ બપોરનો એક વાગ્યો હતો. પિલાત યહૂદીઓને કહ્યું કે, 'જુઓ, તમારો રાજા!'
15 ત્યારે તેઓએ પોકારીને કહ્યું કે, 'તેને દૂર કરો, દૂર કરો, તેને વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહે છે કે, 'શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું?' મુખ્ય યાજકોએ ઉત્તર આપ્યો કે, 'કાઈસાર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી.'
16 ત્યારે ઈસુને વધસ્તંભે જડવાને પિલાતે તેઓને સોંપ્યાં. તેથી તેઓ ઈસુને પકડી લઈ ગયા.
17 પછી ઈસુ પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગ્યા, જે હિબ્રૂ ભાષામાં 'ગલગથા' કહેવાય છે, ત્યાં બહાર ગયા.
18 તેઓએ ઈસુને તથા તેમની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યાં; બંને બાજુએ એકને તથા વચમાં ઈસુને.
19 પિલાતે એવું લખાણ લખીને વધસ્તંભ પર ટિંગાળ્યું કે; 'નાસરેથનો ઈસુ, યહૂદીઓનો રાજા.'
20 જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા હતા, તે જગ્યા શહેરની પાસે હતી અને તે લખાણ હિબ્રૂ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલું હતું, માટે ઘણાં યહૂદીઓએ તે વાંચ્યું.
21 તેથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે, 'યહૂદીઓનો રાજા,' એમ ન લખો, પણ તેણે કહ્યું કે, 'હું યહૂદીઓનો રાજા છું.' એમ લખો.
22 પિલાતે ઉત્તર આપ્યો કે, 'મેં જે લખ્યું તે લખ્યું.'
23 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેમના વસ્ત્રો લઈ લીધાં અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાઈને માટે એક; ઝભ્ભો પણ લઈ લીધો હતો; તે ઝભ્ભો સાંધા વગરનો ઉપરથી આખો વણેલો હતો.
યોહાન 19 in ગુજરાતી બાઇબલ