Text copied!
Bibles in Gujarati

યહોશુઆ 8:22-35 in Gujarati

Help us?

યહોશુઆ 8:22-35 in ગુજરાતી બાઇબલ

22 ઇઝરાયલના બીજા સૈનિકો જેઓ નગરમાં હતા તેઓ પણ હુમલો કરવાને બહાર નીકળી આવ્યા. તેથી આયના માણસો, કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ એમ ઇઝરાયલની સેના વચ્ચે સપડાયા. ઇઝરાયલે તેમની પર હુમલો કર્યો અને તેઓમાંના કોઈને પણ બચી કે નાસી જવા દીધા નહિ.
23 તેઓએ આયના રાજાને પકડયો અને તેને જીવતો રહેવા દઈને યહોશુઆ પાસે લાવ્યા.
24 એમ થયું કે, અરણ્યની નજીકની જગ્યામાં જ્યાં તેઓ તેમની પાછળ પડયા હતા ત્યાં ઇઝરાયલીઓએ પાછા ફરીને તેઓમાંના સર્વને, એટલે, આયના સઘળાં રહેવાસીઓને મારી નાખ્યા. તેઓનો તરવારની ધારથી નાશ કર્યો.
25 તે દિવસે આયના સર્વ લોકો પુરુષો અને સ્ત્રીઓ થઈને બાર હજાર માણસો મરણ પામ્યા.
26 યહોશુઆએ જ્યાં સુધી આયના સર્વ લોકોનો સંપૂર્ણ નાશ ન થયો ત્યાં સુધી જે હાથથી તેણે ભાલો લાંબો કરી રાખ્યો હતો, તેને પાછો ખેંચી લીધો નહિ.
27 જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી, તે પ્રમાણે માત્ર ઇઝરાયલીઓએ પોતાના માટે નગરનાં પશુઓ અને માલ મિલકતની લૂંટ કરી.
28 અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે વિનાશનો ઢગ કરી દીધો. તે સ્થાન આજ દિવસ સુધી વેરાન રહેલું છે.
29 તેણે આયના રાજાને સાંજ સુધી ઝાડ પર લટકાવી રાખ્યો. જયારે સૂર્ય આથમતો હતો ત્યારે યહોશુઆએ તેઓને આજ્ઞા આપી. તેથી તેઓ રાજાનું શબ ઝાડ ઉપરથી ઉતારી લાવ્યા અને નગરના દરવાજાની આગળ નાખ્યું. તેના ઉપર તેઓએ પથ્થરનો મોટો ઢગલો કર્યો. તે આજ દિવસ સુધી છે.
30 ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સારુ વેદી બાંધી,
31 જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.
32 અને ત્યાં ઇઝરાયલના લોકોની હાજરીમાં, તેણે પથ્થરો પર મૂસાના નિયમની નકલ ઉતારી.
33 અને સર્વ ઇઝરાયલ, તેઓના વડીલો, અધિકારીઓ, અને તેઓના ન્યાયાધીશો, પરદેશી તેમ જ ત્યાંના વતનીઓ પણ, લેવીઓ અને યાજકો જેમણે યહોવાહનો કરારકોશ ઊંચક્યો હતો તે કોશની આગળ બન્ને બાજુ ઊભા રહ્યા, તેઓમાંના અડધા ગરીઝીમ પર્વતની સામે; અને અડધા એબાલ પર્વતની સામે યહોવાહનાં સેવક મૂસાએ અગાઉ ઇઝરાયલ લોકોને આશીર્વાદ આપવા તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઊભા રહ્યા.
34 ત્યાર પછી યહોશુઆએ નિયમનાં સર્વ વચનો, આશીર્વાદો અને શાપો, જે નિયમશાસ્ત્રમાં લખેલાં હતાં, તે સર્વ વાંચી સંભળાવ્યાં.
35 ઇઝરાયલ આગળ તથા સ્ત્રીઓ, નાના બાળકો તથા પરદેશીઓ જે તેઓની મધ્યે રહેતા હતા તેઓની સભા સમક્ષ મૂસાએ ફરમાવેલી આજ્ઞાઓમાંથી એક પણ એવી નહિ હોય કે જે યહોશુઆએ તેઓની સમક્ષ વાંચી સંભળાવી ના હોય.
યહોશુઆ 8 in ગુજરાતી બાઇબલ