Text copied!
Bibles in Gujarati

માર્ક 9:2-32 in Gujarati

Help us?

માર્ક 9:2-32 in ગુજરાતી બાઇબલ

2 છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ ગયા. અને તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું.
3 ઈસુનાં વસ્ત્રો ઊજળાં, બહુ જ સફેદ થયાં; એવાં કે દુનિયાનો કોઈ પણ ધોબી તેવા સફેદ કરી ન શકે.
4 એલિયા તથા મૂસા તેઓને દેખાયા અને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા.
5 પિતર ઈસુને કહે છે કે, 'ગુરુજી, અહીં રહેવું આપણે માટે સારું છે; તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાના માટે.'
6 શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ ડરી ગયા હતા.
7 એક વાદળું આવ્યું. તેણે તેઓ પર છાયા કરી; વાદળામાંથી એવી વાણી થઈ કે, 'આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.'
8 તરત તેઓએ ચારેબાજુ જોયું ત્યાર પછી તેઓએ સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ.
9 તેઓ પહાડ પરથી ઊતરતા હતા ત્યારે ઈસુએ તેઓને ફરમાવ્યું કે, 'તમે જે જોયું છે તે માણસનો દીકરો મૃત્યુમાંથી પાછો ઊઠે, ત્યાં સુધી કોઈને કહેશો નહિ.'
10 તેઓએ તે સૂચના મનમાં રાખીને 'મૃત્યુમાંથી પાછા ઊઠવું' એ શું હશે, તે વિષે અંદરોઅંદર ચર્ચા કરી.
11 તેઓએ ઈસુને પૂછ્યું, 'શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પ્રથમ આવવું જોઈએ?'
12 ઈસુએ તેઓને કહ્યું કે, 'એલિયા અગાઉ આવીને સર્વને સુધારે છે ખરો; પણ માણસના દીકરા વિષે એમ કેમ લખ્યું છે કે, તેમણે ઘણું દુઃખ સહેવું અને અપમાનિત થવું પડશે?'
13 પણ હું તમને કહું છું કે, 'એલિયા ખરેખર આવ્યો છે; અને તેને વિષે લખેલું છે તે પ્રમાણે તેઓએ પોતાની મરજી મુજબ તેની સાથે આચરણ કર્યું,'
14 તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ ઘણાં લોકોને તથા તેઓની સાથે ચર્ચા કરતા શાસ્ત્રીઓને જોયા.
15 તે બધા લોકો ઈસુને જોઈને વધારે આશ્ચર્ય પામ્યા અને દોડીને તેમને સલામ કરી.
16 ઈસુએ તેઓને પૂછ્યું કે, 'તેઓની સાથે તમે શી ચર્ચા કરો છો?'
17 લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો કે, 'ઉપદેશક, હું મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો દુષ્ટાત્મા વળગેલો છે;
18 જ્યાં કહી તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે; તે ફીણ કાઢે છે, દાંત ભીડે છે અને તે શરીર કડક થઈ જાય છે. મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ તેને કાઢી શક્યા નહિ,'
19 પણ ઈસુ જવાબ આપતાં તેઓને કહે છે કે, 'ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.'
20 તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને તેમને જોઈને દુષ્ટાત્માએ તરત તેને મરડ્યો અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો.
21 ઈસુએ તેના પિતાને પૂછ્યું કે, 'તેને કેટલા વખતથી આવું થયું છે?' તેણે કહ્યું કે, 'બાળપણથી.'
22 તેનો નાશ કરવા માટે અશુદ્ધ આત્માએ ઘણી વખત તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે; પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર દયા રાખીને અમને મદદ કરો.'
23 ઈસુએ તેને કહ્યું કે, 'જો તમે કરી શકો! વિશ્વાસ રાખનારને તો બધું જ શક્ય છે.'
24 તરત દીકરાના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું કે, 'હું વિશ્વાસ કરું છું, મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.'
25 ઘણાં લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને તેને કહ્યું કે, 'મૂંગા તથા બહેરા દુષ્ટાત્મા, હું તને હુકમ કરું છું કે, તેનામાંથી નીકળ. અને ફરી તેનામાં પ્રવેશીશ નહિ.'
26 ચીસ પાડીને અને તેને બહુ મરડીને તે નીકળ્યો. અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાંખરાએ કહ્યું કે, 'તે મરી ગયો છે.'
27 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો અને તે ઊભો થયો.
28 ઈસુ ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું કે, 'અમે કેમ અશુદ્ધ આત્માને કાઢી ન શક્યા?'
29 ઈસુએ કહ્યું કે, 'પ્રાર્થના સિવાય બીજાકોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.'
30 ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા અને તે વિષે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી.
31 કેમ કે ઈસુ પોતાના શિષ્યોને શીખવતા અને તેઓને કહેતાં કે, 'માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે અને તેઓ તેને મારી નાખશે. મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.'
32 તેઓ આ વાત સમજ્યા ન હતા અને તેઓ તે વિષે ઈસુને પૂછતાં ગભરાતા હતા.
માર્ક 9 in ગુજરાતી બાઇબલ