Text copied!
Bibles in Gujarati

માર્ક 7:11-32 in Gujarati

Help us?

માર્ક 7:11-32 in ગુજરાતી બાઇબલ

11 પણ તમે કહો છો કે, જો કોઈ માણસ પોતાનાં માતાપિતાને કહે કે, મારાથી તમને જે કંઈ લાભ થાત તે તો કુરબાન, એટલે ઈશ્વરને દાન તરીકે અર્પિત કરેલું છે.
12 તો તમે તેને તેનાં માતાપિતાને સારુ ત્યાર પછી કંઈ કરવા દેતાં નથી,
13 અને એમ કરીને તમારા શીખવેલા રિવાજો વડે તમે ઈશ્વરની આજ્ઞા રદ કરો છો; અને એવાં ઘણાં કામો તમે કરો છો.'
14 લોકોને ફરી પોતાની પાસે બોલાવીને ઈસુએ તેઓને કહ્યું કે, 'તમે બધા મારું સાંભળો તથા સમજો.
15 માણસની બહારથી તેનામાં પ્રવેશીને તેને ભ્રષ્ટ કરી શકે, એવું કંઈ નથી; પણ માણસમાંથી જે નીકળે છે, તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
16 જો કોઈને સાંભળવાને કાન છે તો તે સાંભળે.
17 જયારે લોકોની પાસેથી જઈને ઈસુ ઘરમાં ગયા, ત્યારે તેમના શિષ્યોએ એ દૃષ્ટાંત સંબંધી ઈસુને પૂછ્યું.
18 ઈસુ તેઓને કહે છે કે, 'તમે પણ શું એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે, બહારથી માણસમાં જે કંઈ પેસે છે તે તેને ભ્રષ્ટ કરી શકતું નથી?
19 કેમ કે તેના હૃદયમાં તે પેસતું નથી, પણ પેટમાં; અને તે નીકળીને શરીરની બહાર જાય છે;' એવું કહીને ઈસુએ સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યાં.
20 વળી તેમણે કહ્યું કે, 'માણસમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.
21 કેમ કે અંદરથી, એટલે માણસોના હૃદયમાંથી ખરાબ વિચારો નીકળે છે, એટલે વ્યભિચાર, ચોરીઓ, હત્યાઓ,
22 વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામવૃત્તિ, અદેખાઇ, નિંદા, અભિમાન, મૂર્ખાઈ.
23 એ બધી ખરાબ બાબતો અંદરથી નીકળે છે અને તે માણસને ભ્રષ્ટ કરે છે.
24 પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની પ્રદેશમાં ગયા. અને તેઓ એક ઘરમાં પ્રવેશ્યા અને કોઈ ન જાણે તેવું તેઓ ઇચ્છતા હતા; પણ તે ગુપ્ત રહી શક્યા નહિ.
25 કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે ઈસુ વિષે સાંભળીને આવી અને તેમના પગે પડી.
26 તે સ્ત્રી ગ્રીક હતી અને સિરિયાનાં ફિનીકિયા કુળની હતી. તેણે પોતાની દીકરીમાંથી ભૂતને કાઢવાને તેમને વિનંતી કરી.
27 પણ ઈસુએ તેને કહ્યું કે, 'છોકરાંને પહેલાં ધરાવા દે; કેમ કે છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.'
28 પણ સ્ત્રીએ તેમને ઉત્તર આપ્યો કે, 'હા, પ્રભુ, કૂતરાં પણ મેજ નીચેથી છોકરાંનાં પડેલા ખોરાકના કકડામાંથી ખાય છે'.
29 ઈસુએ તેને કહ્યું કે, 'આ વાતને લીધે જા; તારી દીકરીમાંથી દુષ્ટાત્મા નીકળી ગયો છે.'
30 તેણે પોતાને ઘરે આવીને જોયું કે, 'છોકરી ખાટલા પર સૂતેલી હતી અને દુષ્ટાત્મા નીકળી ગયો હતો.'
31 ફરી તૂરની સીમોમાંથી નીકળીને, સિદોનમાં થઈને દસનગરની સીમોની મધ્યે થઈને ઈસુ ગાલીલના સમુદ્રની પાસે આવ્યા.
32 લોકો એક મૂક-બધિરને તેમની પાસે લાવ્યા અને તેના પર હાથ મૂકવાને તેમને વિનંતી કરી.
માર્ક 7 in ગુજરાતી બાઇબલ