Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 28:4-20 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 28:4-20 in ગુજરાતી બાઇબલ

4 ત્યાંના વતનીઓએ તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જોકે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.
5 પણ તેણે તે સાપને અગ્નિમાં ઝાટકી નાખ્યો, અને તેને કંઈ ઈજા થઈ નહિ.
6 પણ તેઓ ધારતા હતા કે, તેનો હાથ હમણાં સૂજી જશે, અથવા તે એકાએક પડીને મરી જશે, પણ ઘણીવાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કશું નુકસાન થયું નથી, ત્યારે તેઓએ વિચાર ફેરવીને કહ્યું કે, તે કોઈ દેવ છે.
7 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી.
8 તે વેળાએ પબ્લિયુસના પિતાને તાવ આવ્યો હતો. અને મરડો થયો હતો, પાઉલ તેની પાસે અંદર ગયો, પછી પાઉલે પ્રાર્થના કરી, તેના પર પોતાના હાથ મૂકીને તેને સાજો કર્યો.
9 આ બનાવ પછી ટાપુમાંનાં અન્ય રોગીઓ પણ આવ્યા અને તેઓને સજા કરાયા.
10 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી.
11 ત્રણ મહિના પછી એલેકઝાંન્ડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેનું ચિહ્ન અશ્વિનીકુમાર જોડિયા દેવો હતું, તેમાં બેસીને અમે રવાના થયા.
12 અમે સિરાકુસ બંદરે ત્રણ દિવસ સુધી રહ્યા.
13 ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા.
14 ત્યાં અમને વિશ્વાસી ભાઈઓ મળ્યા, તેઓની સાથે સાત સુધી દિવસ રહેવાને તેઓએ અમને વિનંતી કરી; ત્યાર બાદ અમે રોમમાં આવ્યા.
15 રોમમાંના વિશ્વાસી ભાઈઓ અમારાં આગમન વિષે સાંભળીને ત્યાંથી આપ્પિયસ બજાર તથા 'ત્રણ ધર્મશાળા' નામના સ્થળો સુધી અમને સામેથી મળવા આવ્યા; પાઉલે તેઓને જોઈને ઈશ્વરની સ્તુતિ કરી અને હિંમત રાખી.
16 અમે રોમમાં આવ્યા ત્યારે સૂબેદારે બંદીવાનોને ચોકી કરનારા સરદારને સ્વાધીન કર્યા, પણ પાઉલને તેના સાચવનાર સિપાઈની સાથે સ્વતંત્રતાથી રહેવાની પરવાનગી મળી.
17 ત્રણ દિવસ પછી એમ થયું કે, પાઉલે યહૂદીઓના મુખ્ય આગેવાનોને બોલાવીને એકત્ર કર્યા અને તેઓને કહ્યું કે, “ભાઈઓ, મેં કોઈનું અહિત કે કોઈની વિરુધ્ધ કશું કર્યું નથી, અને આપણા પૂર્વજોના નીતિનિયમોનો ભંગ પણ કર્યો નથી. તોપણ યરુશાલેમથી રોમન સરકારના હાથમાં મને બંદીવાન તરીકે સોંપવામાં આવેલો છે.
18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું.
19 પણ યહૂદીઓએ વિરોધ કર્યો, ત્યારે કાઈસાર પાસે દાદ માગવાની મને ફરજ પડી; એમાં મારે પોતાના સ્વદેશીઓ ભાઈઓ પર કંઈ દોષ મૂકવાનો હતો એવું ન હતું.
20 એ જ કારણ માટે મને મળીને મારી સાથે વાત કરવાની મેં આપને વિનંતી કરી, કેમ કે ઇઝરાયલની આશા એટલે કે ખ્રિસ્તને લીધે મને આ સાંકળથી બાંધવામાં આવ્યો છે.
પ્રેરિતોનાં કૃત્યો 28 in ગુજરાતી બાઇબલ