Text copied!
Bibles in Gujarati

પ્રેરિતોનાં કૃત્યો 22:3-14 in Gujarati

Help us?

પ્રેરિતોનાં કૃત્યો 22:3-14 in ગુજરાતી બાઇબલ

3 'હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમશાસ્ત્ર પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
4 વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
5 પ્રમુખ યાજક તથા સમગ્ર વડીલો તે વિષે મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
6 હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ સ્વર્ગથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
7 ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
8 ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, 'હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.'
9 મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહીં.
10 ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? 'પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
11 તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
12 અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેનાં વિષે ત્યાં રહેનારા સઘળાં યહૂદીઓ સારું બોલતા હતા.
13 તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, 'ભાઈ શાઉલ, તું દેખતો થા.' અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
14 પછી તેણે કહ્યું કે, 'આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
પ્રેરિતોનાં કૃત્યો 22 in ગુજરાતી બાઇબલ