19 ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
20 ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે.
21 તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે,
22 “હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો?
23 મારી ચેતવણી પર ધ્યાન આપો; હું મારો આત્મા તમારા પર રેડીશ; હું મારાં વચનો તમને જણાવીશ.
24 મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ.
25 પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી અને મારા ઠપકાને પણ ગણકારતા નથી.
26 માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ.
27 એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ.