Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 89:1-21 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 89:1-21 in ગુજરાતી બાઇબલ

1 હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
2 કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
3 યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
4 તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” સેલાહ
5 હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
6 કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?
7 સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.
8 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
9 સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
10 મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
11 આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
12 ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
13 તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
14 ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
15 જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
16 તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
17 તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
18 કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
19 ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
20 મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
21 મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
ગીતશાસ્ત્ર 89 in ગુજરાતી બાઇબલ