Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 78:21-48 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 78:21-48 in ગુજરાતી બાઇબલ

21 જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,
22 કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.
23 છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
24 તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
25 લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.
26 તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.
27 તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.
28 તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.
29 લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.
30 પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,
31 એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા.
32 આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
33 માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.
34 જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.
35 તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.
36 પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.
37 કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.
38 તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
39 તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
40 તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ:ખી કર્યા!
41 વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી અને ઇઝરાયલના પવિત્ર પ્રભુને દુ:ખી કર્યા.
42 તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.
43 મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
44 તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.
45 તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
46 તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.
47 તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.
48 તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.
ગીતશાસ્ત્ર 78 in ગુજરાતી બાઇબલ