5 હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.
6 હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
7 કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.
8 હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.
9 કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
10 જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.
11 જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
12 જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
13 પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.