Text copied!
Bibles in Gujarati

ગીતશાસ્ત્ર 119:99-126 in Gujarati

Help us?

ગીતશાસ્ત્ર 119:99-126 in ગુજરાતી બાઇબલ

99 મારામાં મારા શિક્ષકો કરતાં વધારે શાણપણ છે કારણ કે હું તમારાં સાક્ષ્યોનું મનન કરું છું.
100 વૃદ્ધોના કરતાં હું વિશેષ જાણું છું; આ એ માટે કે મેં તમારા નિયમો પાળ્યા છે.
101 હું તમારું વચન પાળી શકું તે માટે મેં મારા પગ સર્વ ભૂંડા માર્ગોથી પાછા વાળ્યા છે.
102 તમારાં ન્યાયી વચનોને મેં તજી દીધા નથી, કારણ કે તમે મને તે શીખવ્યાં છે.
103 મારી રુચિને તમારાં વચનો કેવા મીઠાં લાગે છે, હા, તેઓ મારા મુખને માટે મધ કરતાં વધુ મીઠાં છે!
104 તમારાં શાસનોથી મને સમજણ મળે છે; માટે હું દરેક જૂઠા માર્ગને ધિક્કારું છું.
105 નુન. મારા પગોને માટે તમારાં વચન દીવારૂપ છે અને મારા માર્ગોને માટે અજવાળારૂપ છે.
106 હું તમારાં યથાર્થ ન્યાયશાસનો પાળીશ, એવી પ્રતિજ્ઞા મેં કરી હતી અને તે પાળી પણ છે.
107 હું દુઃખમાં બહુ દબાઈ ગયો છું; હે યહોવાહ, તમારાં વચનો પ્રમાણે મને જિવાડો.
108 હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો.
109 મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી.
110 દુષ્ટોએ મારે માટે પાશ નાખ્યો છે, પણ હું તમારાં શાસનોથી નાસી ગયો નથી.
111 મેં તમારાં સાક્ષ્યોને સદાકાળનો વારસો માન્યાં છે, કેમ કે તેઓ મારા હૃદયનો આનંદ છે.
112 તમારા વિધિઓ અંત સુધી સદા પાળવાને મેં મારા હૃદયને વાળ્યું છે.
113 સામેખ. હું બે મન વાળાઓને ધિક્કારું છું, પણ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું.
114 તમે જ મારી સંતાવાની જગ્યા તથા ઢાલ છો; હું તમારાં વચનની આશા રાખું છે.
115 દુષ્ટ મનવાળા માણસો મારાથી દૂર રહો, કે જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળું.
116 તમારા વચન મુજબ મને આધાર આપો કે જેથી હું જીવી શકું અને મારી આશાઓને નિરર્થક કરશો નહિ.
117 તમે મારા સહાયકારી થાઓ અને હું સલામત રહીશ; હું સદા તમારા નીતિનિયમોનું મનન કરીશ.
118 જેઓ તમારા નિયમોનો ભંગ કરે છે તેનો તમે ધિક્કાર કરો છો, કારણ કે તેઓનો ઢોંગ વ્યર્થ છે.
119 તમે પૃથ્વીના સર્વ દુષ્ટોને કચરાની જેમ ફેંકી દો છો; માટે હું તમારા નિયમોને પ્રેમ કરું છું.
120 હું તમારા ભયથી કાંપુ છું અને હું તમારા ન્યાયવચનોથી ગભરાઉં છું.
121 હાયિન. મેં જે ન્યાયી અને સાચું છે તે કર્યું છે; મને મારા પર જુલમ કરનારનાં હાથમાં ન સોંપો.
122 તમારા સેવક માટે તેના જામીન થાઓ; ગર્વિષ્ઠ લોકોને મારા પર જુલમ કરવા ન દો.
123 તમારા ઉદ્ધારની અને ન્યાયી વચનની રાહ જોતાં જોતાં મારી આંખો નિસ્તેજ થઈ ગઈ છે.
124 તમારી કૃપા પ્રમાણે તમારા સેવકની સાથે વર્તજો અને તમારા વિધિઓ મને શીખવજો.
125 હું તો તમારો સેવક છું, મને બુદ્ધિ આપો, કે જેથી હું તમારાં સાક્ષ્યોને જાણી શકું.
126 હવે યહોવાહને કામ કરવાનો સમય આવ્યો છે, કેમ કે લોકોએ તમારો નિયમ તોડ્યો છે.
ગીતશાસ્ત્ર 119 in ગુજરાતી બાઇબલ