145 કોફ. મેં ખરા હૃદયથી વિનંતિ કરી છે, “હે યહોવાહ, મને ઉત્તર આપો, હું તમારા નિયમોનું પાલન કરીશ.
146 મેં તમને પ્રાર્થના કરી છે; મારો બચાવ કરો, એટલે હું તમારા નિયમોનું પાલન કરીશ.”
147 પ્રભાત થતાં પહેલા મેં સહાયને માટે પ્રાર્થના કરી. મને તમારાં વચનોની આશા છે.
148 તમારા વચનનું મનન કરવા માટે મારી આંખો રાતના છેલ્લાં પહોર અગાઉ ઊઘડી ગઈ હતી.
149 તમારી કૃપા પ્રમાણે મારી વાણી સાંભળો; હે યહોવાહ, તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
150 જેઓ દુષ્ટ ભાવથી મારી પાછળ લાગેલા છે તેઓ મારી નજીક આવે છે, પણ તેઓ તમારા નિયમથી દૂર છે.
151 હે યહોવાહ, તમે મારી નજદીક છો અને તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે.
152 લાંબા સમય પૂર્વે તમારા સાક્ષ્યોથી મેં જાણ્યું કે, તમે તેઓને સદાને માટે સ્થાપ્યા છે.
153 રેશ. મારી વિપત્તિ સામું જુઓ અને મને સહાય કરો, કેમ કે હું તમારો નિયમ ભૂલતો નથી.
154 મારી લડતને લડો અને મને બચાવો; મને તમારા વચન પ્રમાણે જીવવા દો.
155 દુષ્ટોથી ઉદ્ધાર દૂર રહે છે, કારણ કે તે તમારા નિયમોને પ્રેમ કરતા નથી.
156 હે યહોવાહ, તમારી કરુણા મહાન છે; તમારાં ન્યાયવચનો પ્રમાણે મને જિવાડો.
157 મને સતાવનારા અને મારા શત્રુઓ ઘણા છે, પણ હું તમારા નિયમોથી પાછો હઠી ગયો નથી.
158 મેં વિશ્વાસઘાતીઓને જોયા અને મેં તેમનો અસ્વીકાર કર્યો કારણ કે તેઓ તમારા વચનનું પાલન કરતાં નથી.
159 હું તમારાં શાસનો પર કેટલો બધો પ્રેમ રાખું છું; હે યહોવાહ, તે ધ્યાનમાં લેજો, તમારી કૃપા અનુસાર તમે મને જિવાડો.
160 તમારાં બધાં વચનો સત્ય છે; તમારાં સર્વ ન્યાયી વચનો અનંતકાળ સુધી ટકનારાં છે.
161 શીન. સરદારોએ મને વિનાકારણ સતાવ્યો છે; મારું હૃદય તમારાં વચનોનો ભય રાખે છે.
162 જેમ કોઈ એકને મોટો ખજાનો મળે તેમ તમારા વચનથી મને આનંદ થાય છે.