Text copied!
Bibles in Gujarati

ગણના 24:12-24 in Gujarati

Help us?

ગણના 24:12-24 in ગુજરાતી બાઇબલ

12 બલામે બલાકને જવાબ આપ્યો, “જે સંદેશાવાહકો તેં મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ શું એવું નહોતું કહ્યું કે,
13 'જો બાલાક મને તેના મહેલનું સોનુંચાંદી આપે, તો પણ હું યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ જઈને મારી મરજી પ્રમાણે સારું કે ખરાબ કંઈ જ કરી શકતો નથી. હું તો યહોવાહ જે કહે છે તે જ કરીશ.'
14 તો હવે, જો હું મારા લોકો પાસે જાઉ છું. પણ તે અગાઉ તને ચેતવણી આપું છું કે આ લોકો ભવિષ્યમાં તારા લોકો સાથે શું કરશે.”
15 બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું, “બયોરના દીકરા બલામ, જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.
16 જે ઈશ્વરની વાણી સાંભળે છે, જેને પરાત્પર ઈશ્વર પાસેથી ડહાપણ પ્રાપ્ત થયું છે, જે ખુલ્લી આંખો રાખીને પરાક્રમી ઈશ્વરનું દર્શન પામે છે, તે કહે છે.
17 હું તેને જોઉં છું, પણ તે અત્યારે નહિ. હું તેને જોઉં છું, પણ પાસે નહિ. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે. તે મોઆબના આગેવાનોનો નાશ કરી નાખશે. અને શેથના વંશજોનો તે નાશ કરશે.
18 અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે. અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે, તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા, જેના પર ઇઝરાયલ વિજેતા થશે.
19 યાકૂબમાંથી એક રાજા નીકળશે જે આધિપત્ય ધારણ કરશે, તે નગરમાંથી બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
20 પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું, પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે.”
21 અને બલામે કેનીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું, “તું જે જગ્યાએ રહે છે તે મજબૂત છે, અને તારા માળા ખડકોમાં બાંધેલા છે.
22 તોપણ કાઈન વેરાન કરાયો છે જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે.”
23 બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું, “અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે?
24 કિત્તીમના કિનારા પરથી વહાણો આવશે; તેઓ આશ્શૂર પર હુમલો કરશે અને એબેરને કચડી નાખશે, પણ તેઓનો, અંતે વિનાશ થશે.”
ગણના 24 in ગુજરાતી બાઇબલ