Text copied!
Bibles in Gujarati

ગણના 16:36-50 in Gujarati

Help us?

ગણના 16:36-50 in ગુજરાતી બાઇબલ

36 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા તેમણે કહ્યું કે,
37 “હારુન યાજકના દીકરા એલાઝાર સાથે વાત કર અને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ લઈ લે, કેમ કે તે ધૂપ પવિત્ર છે, મારા માટે મુકરર થયેલ છે. તે કોલસા અને રાખ વિખેરી નાખ.
38 જેઓએ પાપ કરીને પોતાનો જીવ ગુમાવ્યો છે તે ધૂપપાત્ર લઈ લે. તેમને ટીપીને વેદીને ઢાંકવા માટે પતરાં બનાવવાં. તે પુરુષોએ તેઓનું અર્પણ મને કર્યું, તેથી તેઓ પવિત્ર છે, મારા માટે મુકરર કરેલ છે. તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.”
39 તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં.
40 તે ઇઝરાયલીપુત્રોને માટે સ્મરણમાં રહે કે, જેથી કોઈ વ્યક્તિ એટલે હારુનના વંશજમાંની કોઈ પણ વ્યક્તિએ યહોવાહ સમક્ષ ધૂપ ચઢાવવાને આવવું નહિ. આ રીતે, તેના હાલ કોરા અને તેના સાથીઓ જેવા ન થાય.
41 પરંતુ બીજે દિવસે આખી ઇઝરાયલી જમાતે મૂસા અને હારુનની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ કહ્યું કે, “તમે યહોવાહના લોકોને મારી નાખ્યા છે.”
42 જ્યારે મૂસા અને હારુનની વિરુદ્ધ સમગ્ર સમાજ એકઠો થયો ત્યારે એમ થયું કે, તેઓએ મુલાકાતમંડપ તરફ જોયું તો એકાએક વાદળે તેના પર આચ્છાદન કર્યું. યહોવાહનું ગૌરવ દેખાયું.
43 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ જઈને ઊભા રહ્યા.
44 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું,
45 “આ જમાત આગળથી દૂર જાઓ જેથી હું તેઓનો તરત જ નાશ કરું.” એટલે મૂસા અને હારુન જમીન પર ઊંધા પડ્યા.
46 મૂસાએ હારુનને કહ્યું, “ધૂપદાની લે, વેદીમાંથી અગ્નિ લે અને તેમાં નાખ, તેમાં ધૂપ નાખ, તરત જ તે જમાત પાસે લઈ જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કેમ કે યહોવાહનો કોપ આવ્યો છે. મરકી શરૂ થઈ છે.''
47 આથી મૂસાના કહ્યા પ્રમાણે હારુને કર્યું. તે જમાતની વચ્ચે દોડી ગયો. લોકોમાં મરકી ફેલાવાનું શરુ થયું, તેથી તેણે ધૂપ નાખી લોકોને સારુ પ્રાયશ્ચિત કર્યું.
48 હારુન મરેલા તથા જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો; આ પ્રમાણે મરકી બંધ થઈ.
49 કોરાની બાબતમાં જેઓ મૃત્યુ પામ્યાં હતાં તેઓ ઉપરાંત મરકીથી મર્યા તેઓની સંખ્યા ચૌદ હજાર સાતસો હતી.
50 હારુન મુલાકાતમંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો આવ્યો અને મરકી બંધ થઈ.
ગણના 16 in ગુજરાતી બાઇબલ