Text copied!
Bibles in Gujarati

ગણના 15:4-35 in Gujarati

Help us?

ગણના 15:4-35 in ગુજરાતી બાઇબલ

4 ત્યારે પોતાનું અર્પણ કરતી વખતે અર્પણ ચઢાવનારે એની સાથે પા હિન (ચોથા ભાગના) તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાહને અર્પણ કરવું.
5 અને દરેક હલવાનને સારુ દહનીયાર્પણ સાથે કે યજ્ઞ સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર.
6 જો તું ઘેટાંનું અર્પણ ચઢાવે તો, એક તૃતીયાંશ હિન તેલથી મોહેલા બે દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાપર્ણ તૈયાર કર.
7 અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાહને ચઢાવ.
8 અને જ્યારે તું દહનીયાર્પણ કે પ્રતિજ્ઞા પૂર્ણ કરવાના યજ્ઞને માટે અથવા યહોવાહને માટે શાંત્યર્પણોને સારુ ગોધાં તૈયાર કરે,
9 ત્યારે તે બળદ સાથે અડધા હિન તેલથી મોહેલા ત્રણ દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ ચઢાવે.
10 અને યહોવાહને માટે સુવાસિત પેયાર્પણ તરીકે અર્ધો હિન દ્રાક્ષારસ હોમયજ્ઞ તરીકે ચઢાવ.
11 પ્રત્યેક બળદ વિષે, કે પ્રત્યેક ઘેટા વિષે કે પ્રત્યેક નર હલવાન વિષે, કે પ્રત્યેક બકરીના બચ્ચા વિષે આ પ્રમાણે કરવું.
12 પ્રત્યેક બલિદાન જે તું તૈયાર કરી અને અર્પણ કરે તેના સંબંધમાં અહીં દર્શાવ્યાં મુજબ કરવું.
13 યહોવાહ પ્રત્યે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવામાં જે સર્વ ઇઝરાયલના વતનીઓ છે, તેઓએ તે કાર્યો આ રીતે કરવા.
14 અને જો કોઈ પરદેશી તમારી સાથે રહેતો હોય, અથવા તમારા લોકની પેઢીનું જે કોઈ તમારી વચ્ચે રહેતું હોય અને જો તે યહોવાહને સારુ સુવાસિત હોમયજ્ઞ ચઢાવવા ઇચ્છે તો તે જેમ તમે કરો છો તે મુજબ કરે.
15 આ નિયમ તમારે માટે તથા તમારી સાથે રહેતા વિદેશીઓ માટે સમાન છે અને તે નિયમ સદાને માટે તમારા લોકના વંશજોને સારુ હોય. જેમ તમે છો તેમ યહોવાહ સમક્ષ વિદેશી પણ હોય.
16 તમારે સારુ તથા તમારી સાથે રહેતા વિદેશી માટે એક જ નિયમ તથા એક જ કાનૂન હોય.'”
17 પછી યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
18 ઇઝરાયલપુત્રોને એમ કહે કે, જે દેશમાં હું તમને લઈ જાઉં છું ત્યાં તમે આવો પછી,
19 જ્યારે તમે એ દેશનું અનાજ ખાઓ ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું.
20 ઉચ્છાલીયાર્પણને માટે પ્રથમ બાંધેલા લોટની પૂરી ચઢાવવી. જેમ ખળીનું ઉચ્છાલીયાર્પણ કરો છો તેમ તમારે તેને ઉપર ઉઠાવવી.
21 તમે બાંધેલા લોટમાંથી પ્રથમ ભાગ તમારે યહોવાહ માટે ઉચ્છાલીયાર્પણ કરવું.
22 જ્યારે તમે અજાણતામાં આવી સરતચૂક કરો અને મારા હસ્તક મૂસાને કહેલી આજ્ઞાઓનું પાલન ન કરો.
23 એટલે જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસા મારફતે તમને આપી છે તે યહોવાહે જે દિવસે આજ્ઞા આપી ત્યારથી માંડીને પેઢી દરપેઢી પાલન નહિ કરો.
24 અને જો આખા સમાજે અજાણતામાં ભૂલ કરી હોય, તો આખી પ્રજા યહોવાહને સુવાસને અર્થે દહનીયાર્પણ તરીકે એક વાછરડો અને તેની સાથે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ શુધ્ધા વિધિ મુજબ ચઢાવે. આ સાથે પાપાર્થાર્પણ તરીકે એક બકરાનું પણ અર્પણ કરે.
25 યાજક સમગ્ર ઇઝરાયલ સમાજ માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે. કેમ કે એ સરતચૂક હતી અને તેઓ પોતાનું અર્પણ એટલે તેમને માટે હોમયજ્ઞ તથા પોતાની ભૂલને લીધે પાપાર્થાર્પણ લાવ્યા છે.
26 તેથી સમગ્ર ઇઝરાયલ સમાજને અને તેમની સાથે વસતા વિદેશીઓને પણ માફ કરવામાં આવશે, કારણ કે સઘળા લોકથી અજાણતામાં એ પાપ થયું હતું.
27 જો કોઈ વ્યક્તિ અજાણતામાં પાપ કરે, તો તેણે એક વર્ષની બકરી પાપાર્થાર્પણ તરીકે ચઢાવવી.
28 અને અજાણતામાં પાપ કરનારને યાજક યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરે તો તે વ્યક્તિને તેની ભૂલ માફ કરવામાં આવશે.
29 અજાણતામાં પાપ કરનાર પ્રત્યેક માટે, એટલે કે ઇઝરાયલના વતની માટે અને તેઓ મધ્યે વસનાર વિદેશી માટે આ એક જ નિયમ રાખવો.
30 પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇઝરાયલનાં વતની હોય કે વિદેશી હોય પણ જાણી જોઈને ઇરાદાપૂર્વક તે પાપ કરે તો તે મારું અપમાન કરે છે. તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય.
31 તેણે મારું વચન ગણકાર્યું નથી અને મારી આજ્ઞા તોડી છે. તેથી એ માણસનો સંપૂર્ણ બહિષ્કાર કરવો. તેનો અન્યાય તેના માથે.'”
32 જ્યારે ઇઝરાયલી લોકો અરણ્યમાં હતા, ત્યારે તેઓએ એક માણસને વિશ્રામવારે લાકડાં વીણતા જોયો.
33 જેઓએ તેને જોયો તેઓ તેને મૂસા, હારુન અને સમગ્ર સમાજ પાસે લાવ્યા.
34 તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો કેમ કે તેઓને શું કરવું તે હજી નક્કી થયું નહોતું.
35 પછી યહોવાહે મૂસાને કહ્યું, “તે માણસ નક્કી માર્યો જાય. સમગ્ર સમાજ એને છાવણી બહાર લાવી પથ્થરે મારે.”
ગણના 15 in ગુજરાતી બાઇબલ