Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 8

1 રાજઓ 8:23-47

Help us?
Click on verse(s) to share them!
23તેણે કહ્યું, “હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, ઉપર આકાશમાં તથા નીચે પૃથ્વી પર તમારા જેવા કોઈ ઈશ્વર નથી, એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હૃદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.
24તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા તથા તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે થયું છે તેમ.
25હવે પછી, હે ઇઝરાયલના પ્રભુ ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે તે તેમના પ્રત્યે પાળો; એટલે કે, 'મારી આગળ તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ, જો જેમ તું મારી આગળ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારા વંશજોએ સાવચેત રહેવું.'
26હવે પછી, હે ઇઝરાયલના ઈશ્વર, હું પ્રાર્થના કરું છું કે તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સત્ય ઠરો.
27પણ શું ઈશ્વર સાચે જ પૃથ્વી પર રહેશે? જુઓ, આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું તમારા ભક્તિસ્થાનરૂપી ઘર તમારો સમાવેશ કરે એ કેટલું બધું અશક્ય છે!
28તેમ છતાં, હે મારા પ્રભુ ઈશ્વર, કૃપા કરીને આ તમારા સેવકની પ્રાર્થના પર તથા વિનંતિ પર લક્ષ આપીને આજે તમારો સેવક જે વિનંતિ તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે સાંભળો.
29આ ભક્તિસ્થાન પર, એટલે જે જગ્યા વિષે તમે કહ્યું છે કે 'ત્યાં મારું નામ તથા હાજરી રહેશે.' તે પર તમારી આંખો રાત દિવસ રાખો કે, તમારો સેવક આ સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે તે તમે સાંભળો.
30તેથી જયારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોકો આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની દરેક વિનંતિ સાંભળજો. હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સંભાળજો અને જયારે તમે સાંભળો ત્યારે સાંભળીને ક્ષમા કરજો.
31જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે અને તેને સમ ખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે અને જો તે આવીને આ ભક્તિસ્થાનમાં તમારી વેદીની સમક્ષ સમ ખાય,
32તો તમે આકાશમાં સાંભળજો અને તે પ્રમાણે કરજો. તમારા સેવકનો ન્યાય કરીને અપરાધીને દોષિત ઠરાવી તેની વર્તણૂક તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયીપણા પ્રમાણે તેને આપજો.
33જયારે તમારા ઇઝરાયલી લોકો તમારી વિરુદ્ધ પાપ કરવાને કારણે દુશ્મનોના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે અને આ ભક્તિસ્થાનમાં તમારી આગળ વિનંતિ કરીને ક્ષમા માગે,
34તો તમે આકાશમાંથી સાંભળીને તમારા લોકો ઇઝરાયલનાં પાપોની ક્ષમા કરજો; જે દેશ તમે તેઓના પૂર્વજોને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.
35તેઓએ તમારી વિરુદ્ધ કરેલાં પાપને કારણે જયારે આકાશ બંધ થઈ જાય અને વરસાદ ન આવે, ત્યારે જો તેઓ આ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, તમારું નામ કબૂલ કરે અને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,
36તો તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોકો ઇઝરાયલનાં પાપની ક્ષમા કરજો, જયારે તમે તેઓને ક્યા માર્ગે ચાલવું જોઈએ તે તેઓને શીખવો, ત્યારે તમારો જે દેશ તમે તમારા લોકોને વારસા તરીકે આપ્યો છે તેમાં વરસાદ મોકલજો.
37જો દેશમાં દુકાળ પડે, જો મરકી ફાટી નીકળે, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દુશ્મનો તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓના પર હુમલો કરે અથવા ગમે તે મરકી કે રોગ હોય,
38જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોકો પોતપોતાના હૃદયના દુઃખ જાણીને જે કંઈ પ્રાર્થના તથા વિનંતિ કરે અને પોતાના હાથ આ ભક્તિસ્થાન તરફ ફેલાવે,
39તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને ક્ષમા આપજો; દરેક માણસનું હૃદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો, કેમ કે તમે અને ફક્ત તમે જ સર્વ મનુષ્યોનાં હૃદયો જાણો છો.
40જે દેશ તમે અમારા પૂર્વજોને આપ્યો છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.
41વળી વિદેશીઓ જે તમારા ઇઝરાયલ લોકોમાંના નથી: તે જયારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે,
42કેમ કે તેઓ તમારા મોટા નામ વિષે, તમારા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ વિષે સાંભળે અને તે આવીને આ ભક્તિસ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે,
43ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે વિદેશીઓ તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, જેથી આખી પૃથ્વીના સર્વ લોકો તમારું નામ જાણે તથા તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે. એ પ્રમાણે તમે કરજો કે જેથી તેઓ જાણે કે આ મારું બાંધેલું ભક્તિસ્થાન તમારા નામથી ઓળખાય છે.
44જે રસ્તે તમે તમારા લોકોને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના દુશ્મનની વિરુદ્ધ યુદ્ધ કરવા જાય અને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે ભક્તિસ્થાન મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ ઈશ્વરની પ્રાર્થના કરે,
45તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની વિનંતિ તમે સાંભળજો અને તેમને મદદ કરજો.
46જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, કેમ કે પાપ ન કરે એવું કોઈ માણસ નથી અને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને દુશ્મનોના હાથમાં સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના દુશ્મન દેશમાં લઈ જાય.
47પછી જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે અને પોતાને બંદીવાન કરીને લઈ જનારાં દેશમાં તેઓ તમારી આગળ વિનંતિ કરીને કહે 'અમે પાપ કર્યું છે અને અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ. અમે દુષ્ટ કામ કર્યું છે.'

Read 1 રાજઓ 81 રાજઓ 8
Compare 1 રાજઓ 8:23-471 રાજઓ 8:23-47