Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - 1 રાજઓ - 1 રાજઓ 18

1 રાજઓ 18:19-43

Help us?
Click on verse(s) to share them!
19હવે પછી, માણસ મોકલીને સર્વ ઇઝરાયલને, બાલના ચારસો પચાસ પ્રબોધકો તથા ઇઝેબેલની મેજ પર જમનારાં અશેરા દેવીના ચારસો પ્રબોધકોને કાર્મેલ પર્વત પર મારી પાસે એકત્ર કર.”
20તેથી આહાબે સર્વ ઇઝરાયલી લોકો પાસે માણસો મોકલીને કાર્મેલ પર્વત પર એકત્ર કર્યા.
21એલિયાએ સર્વ લોકોની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય, તો તમે તેમને અનુસરો. પણ જો બઆલ દેવ હોય તો તેને અનુસરો.” લોકો જવાબમાં એક પણ શબ્દ બોલી શક્યા નહિ.
22પછી એલિયાએ લોકોને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાહનો પ્રબોધક બાકી રહ્યો છું, પણ બાલના પ્રબોધકો તો ચારસો પચાસ છે.
23તો અમને બે બળદ આપો. તેઓ પોતાને માટે એક બળદ પસંદ કરીને એને કાપીને તેના ટુકડાં કરે અને તેને લાકડાં પર મૂકે અને નીચે આગ ન મૂકે. પણ હું બીજો બળદ તૈયાર કરીને તેને લાકડાં પર મૂકીશ અને નીચે આગ નહિ મૂકું.
24તમે તમારા દેવને વિનંતી કરજો અને હું યહોવાહને નામે વિનંતી કરીશ. અને જે ઈશ્વર અગ્નિ દ્વારા જવાબ આપે તેને જ ઈશ્વર માનવા.” તેથી સર્વ લોકોએ જવાબ આપ્યો, “એ વાત સારી છે.”
25પછી એલિયાએ બાલના પ્રબોધકોને કહ્યું, “તમે તમારે સારુ એક બળદ પસંદ કરો અને તેને કાપીને પહેલા તૈયાર કરો, કારણ તમે ઘણા છો, તમારા દેવને પ્રાર્થના કરો, પણ બળદની નીચે આગ લગાડશો નહિ.”
26જે બળદ તેમને આપવામાં આવ્યો હતો તેને તેઓએ તૈયાર કર્યો અને સવારથી તે બપોર સુધી બાલના નામે વિનંતી કર્યા કરી કે “ઓ બાલ, અમને જવાબ આપ.” પણ ત્યાં કોઈ અવાજ ન હતો અને જવાબ આપનાર પણ કોઈ ન હતું. જે વેદી તેઓએ બાંધી હતી તેના ફરતે ગોળાકારે નૃત્ય પણ કર્યુ.
27આમ અને આમ બપોર થઈ ગઈ એટલે એલિયા તેઓની મશ્કરી કરીને બોલ્યો, “હજી મોટા સાદે બૂમો પાડો! તે દેવ છે! કદાચ એ વિચારમાં ઊંડો ડૂબી ગયો હશે! અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે, મુસાફરીમાં હશે, કદાચ ઊંઘી પણ ગયો હોય તો જગાડવો પણ પડે.”
28તેથી તેઓ વધારે મોટે સાદે બૂમો પાડવા લાગ્યા અને જેમ તેઓ કરતા હતા તેમ તરવાર અને ભાલા વડે પોતાનાં શરીર પર એવા ઘા કરવા લાગ્યા કે, લોહી વહેવા લાગ્યું.
29બપોર વીતી ગઈ અને છેક સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ ત્યાં કંઈ અવાજ હતો નહિ કે તેમને સાંભળનાર તથા તેમની પર ધ્યાન આપનાર કોઈ હતું નહિ.
30પછી એલિયાએ બધા લોકોને કહ્યું, “અહીં મારી નજીક આવો.” લોકો તેની પાસે નજીક આવ્યા; યહોવાહની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેણે સમારી.
31યાકૂબ કે જેની પાસે યહોવાહનું એવું વચન આવ્યું હતું કે, “તારું નામ ઇઝરાયલ થશે.” તેના પુત્રોના કુળસમૂહોની સંખ્યા પ્રમાણે તેણે બાર પથ્થર લીધા.
32તે પથ્થરો વડે એલિયાએ યહોવાહને નામે એક વેદી બનાવી. તેણે તેે વેદીની આસપાસ બે હાથ પહોળી ખાઈ ખોદી.
33પછી તેણે આગને સારુ લાકડાં પણ ગોઠવ્યાં. બળદને કાપીને ટુકડાં કર્યા અને તેને લાકડાં પર મૂક્યા. પછી તેણે કહ્યું કે, “ચાર ઘડા પાણી ભરી લાવીને દહનીયાર્પણ પર અને લાકડાં પર રેડો.”
34વળી તેણે કહ્યું, “આમ બીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ બીજી વાર કર્યું. પછી તેણે કહ્યું, “આમ ત્રીજી વાર પણ કરો.” અને તેઓએ તેમ ત્રીજી વાર પણ કર્યું.
35તેથી પાણી વેદીની ચારે બાજુએ ફેલાઈ ગયું. અને પેલો ખાડો પણ પાણીથી છલકાઈ ગયો.
36સાંજે અર્પણના સમયે એલિયા પ્રબોધક નજીક આવીને બોલ્યો, “ઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વર યહોવા, તમે જ ઇઝરાયલમાં ઈશ્વર છો. હું તમારો સેવક છું અને આ બધું મેં તમારા કહેવાથી કર્યું છે એમ આજે આ લોકોને ખબર પડવા દો.
37હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવા ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે.”
38પછી એકાએક યહોવાહનાં અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર અને ધૂળ બાળીને ભસ્મ કરી નાખ્યાં અને તે ખાડાના પાણીને પણ સૂકવી નાખ્યાં.
39જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓએ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું, “યહોવા એ જ ઈશ્વર છે! યહોવા એ જ ઈશ્વર છે!”
40એલિયાએ કહ્યું, “બાલના પ્રબોધકોને પકડો. તેઓમાંથી એકને પણ નાસી જવા ન દો.” તેથી લોકોએ તેઓને પકડી લીધા અને એલિયાએ તેમને કીશોન નાળાની તળેટીમાં લાવીને મારી નાખ્યા.
41એલિયાએ આહાબને કહ્યું, “ઊઠ, ખા તથા પી, કારણ, મને ધોધમાર વરસાદનો અવાજ સંભળાય છે.”
42તેથી આહાબ ખાવાપીવા માટે ઉપર ગયો. પછી એલિયા, કાર્મેલ પર્વતના શિખર સુધી ગયો અને જમીન પર નીચા નમીને તેણે પોતાનું મુખ પોતાના ઘૂંટણો વચ્ચે રાખ્યું.
43તેણે પોતાના ચાકરને કહ્યું, “હવે ઉપર જઈને સમુદ્ર તરફ નજર કર.” ઉપર જઈને નજર કરીને તે બોલ્યો, “ત્યાં કશું નથી.” તેથી એલિયાએ કહ્યું, “ફરી સાત વાર જા.”

Read 1 રાજઓ 181 રાજઓ 18
Compare 1 રાજઓ 18:19-431 રાજઓ 18:19-43