Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - રોમનોને પત્ર - રોમનોને પત્ર 8

રોમનોને પત્ર 8:2-30

Help us?
Click on verse(s) to share them!
2કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
3કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી;
4કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય.
5કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.
6દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે.
7કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી.
8અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.
9પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી.
10અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.
11જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.
12તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી.
13કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.
14કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે.
15કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા (અબ્બા) એવી હાંક મારીએ છીએ.
16પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ.
17જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.
18કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી.
19કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.
20કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ;
21અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે.
22કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
23અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ.
24કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે?
25પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.
26તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે;
27અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.
28આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
29કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય.
30વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.

Read રોમનોને પત્ર 8રોમનોને પત્ર 8
Compare રોમનોને પત્ર 8:2-30રોમનોને પત્ર 8:2-30