7અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.
8પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો.
9કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.
10ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.
11જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી;
12અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા.
13તેઓ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તે તેમને કહે છે, 'તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું;'
14એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ.
15ઈસુ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તું કોને શોધે છે?' તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, 'ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.'
16ઈસુ તેને કહે છે કે, 'મરિયમ;' અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, 'રાબ્બોની!' એટલે 'ગુરુજી.'