Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યશાયા - યશાયા 10

યશાયા 10:1-27

Help us?
Click on verse(s) to share them!
1જેઓ અન્યાયી કાયદા ઘડે છે અને અયોગ્ય ઠરાવ પસાર કરે છે, તેઓને અફસોસ.
2તેઓ ગરીબોને ઇનસાફથી વંચિત કરે છે અને તેઓ મારા લોકોમાંના દરિદ્રીઓના અધિકારો છીનવી લે છે. વિધવાઓને લૂંટે છે અને અનાથોને પોતાનો શિકાર બનાવે છે!
3ન્યાયને દિવસે દૂરથી તમારા પર આવનાર વિનાશનું તમે શું કરશો? તમે સહાયને માટે કોની પાસે દોડશો અને તમારી સંપત્તિ ક્યાં મૂકશો?
4બંદીવાનોની ભેગા નમી જવા સિવાય અને કતલ થયેલાની નીચે પડી રહ્યા વગર, કંઈ બાકી રહેશે નહિ. આ સર્વ છતાં યહોવાહનો રોષ સમી ગયો નથી; અને તેમનો હાથ હજી ઉગામેલો જ છે.
5આશૂરને અફસોસ, તે મારા રોષનો દંડ અને લાકડી છે તેનાથી હું મારો કોપ કાબૂમાં રાખું છું!
6અધર્મી પ્રજાની સામે અને મારા કોપને પાત્ર થયેલા લોકોની વિરુદ્ધ હું તેને મોકલીશ. હું તેને આજ્ઞા આપીશ કે તે લૂંટ કરે, શિકાર કરે અને તેઓને રસ્તા પરના કીચડની જેમ ખૂંદી નાખે.
7પરંતુ તેના આવા ઇરાદા નથી કે તે આવો વિચાર કરતો નથી, વિનાશ કરવાનો અને ઘણી પ્રજાઓનો સંહાર કરવો તે જ તેના મનમાં છે.
8કેમ કે તે કહે છે, “મારા સર્વ રાજકુમારો રાજા નથી?
9કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?
10જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે;
11અને જેમ સમરુનને તથા તેની નકામી મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા ત્યાંની મૂર્તિઓને શું હું નહિ કરું?”
12જ્યારે પ્રભુ યહોવાહ સિયોન પર્વત પર અને યરુશાલેમમાં પોતાનું કામ પૂરું કરશે, તે કહેશે: “હું આશૂરના રાજાના હૃદયની અભિમાની વાણીને તથા તેના ઘમંડી દેખાવને શિક્ષા કરીશ.”
13કેમ કે તે કહે છે, “મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે, મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે, અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે.
14વળી પક્ષીઓના માળાની જેમ દેશોની સંપત્તિ મારે હાથ આવી છે અને જેમ તજેલાં ઈંડાંને એકઠાં કરવામાં આવે છે તેમ મેં આખી દુનિયા એકઠી કરી છે. પાંખ ફફડાવે, મુખ ઉઘાડે કે ચીંચીં કરે, એવું કોઈ નથી.”
15શું કુહાડી તેના વાપરનાર આગળ બડાશ મારશે? શું કરવત તેના વાપરનારની પર સરસાઈ કરશે? શું લાકડી તેને પકડનારને ઉઠાવે અને લાકડું માણસને ઉઠાવે તેમ એ છે.
16તે માટે સૈન્યોના પ્રભુ યહોવાહ તેના બળવાન યોદ્ધાઓમાં નિર્બળતા મોકલશે; અને તેના મહિમામાં સળગતી અગ્નિના જેવી જ્વાળા પ્રગટાવાશે.
17ઇઝરાયલનો પ્રકાશ તે અગ્નિરૂપ થશે, તેના પવિત્ર તે જ્વાળારૂપ થશે; તે એક દિવસમાં તેના કાંટા અને ઝાંખરાંને બાળીને ગળી જશે.
18યહોવાહ તેના વનના વૈભવને તથા તેના ફળદ્રુપ ખેતરને, આત્મા અને શરીરને ભસ્મ કરશે; તે એક બીમાર માણસના જીવનને બગાડે તેવું થશે.
19તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે.
20તે દિવસે, ઇઝરાયલનો શેષ, યાકૂબના વંશજોમાંથી બચેલા પોતાને હરાવનાર પર ફરીથી કદી ભરોસો રાખશે નહિ, પણ યહોવાહ જે ઇઝરાયલના પવિત્ર છે, તેમના પર તેઓ આધાર રાખતા થશે.
21બાકી રહેલા યાકૂબના વંશજો સામર્થ્યવાન ઈશ્વરની પાસે પાછા આવશે.
22હે ઇઝરાયલ, જો કે તારા લોક સમુદ્રની રેતી જેટલા હશે, તોપણ તેમાંથી ફક્ત થોડા જ પાછા આવશે. ન્યાયથી ભરપૂર વિનાશ નિર્માણ થયેલો છે.
23કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહ, આખા દેશનો વિનાશ, હા નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.
24તેથી પ્રભુ યહોવાહ કહે છે, “હે સિયોનમાં રહેનાર મારા લોકો, તમે આશૂરથી બીતા નહિ. તે લાકડીથી તમને મારશે અને પોતાની સોટી તમારા પર મિસરની જેમ ઉગામશે.
25તેનાથી બીશો નહિ, કારણ કે થોડા જ સમયમાં તમારી વિરુદ્ધ મારો ક્રોધ સમાપ્ત થશે અને મારો ક્રોધ તેઓનો વિનાશ કરશે.”
26જેમ ઓરેબ ખડક પર મિદ્યાનને માર્યો તે રીતે સૈન્યોના યહોવાહ તેઓની વિરુદ્ધ ચાબુક ઉગામશે. તેમની સોટી જેમ સમુદ્રમાં મિસર પર ઉગામવામાં આવી હતી, તેમ તેઓ પર ઉગામવામાં આવશે.
27તે દિવસે, તેનો ભાર તમારી ખાંધ પરથી અને તેની ઝૂંસરી તારી ગરદન પરથી ઉતારવામાં આવશે, અને તારી ગરદન ની પુષ્ટિને લીધે ઝૂંસરી નાશ પામશે.

Read યશાયા 10યશાયા 10
Compare યશાયા 10:1-27યશાયા 10:1-27