Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 7

પ્રેરિતોનાં કૃત્યો 7:5-40

Help us?
Click on verse(s) to share them!
5તેમણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ; ના, એક પગલાભર પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ પરમેશ્વરે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે આ દેશ આપવાનું વચન આપ્યું.
6ઈશ્વરે તેને કહ્યું કે, તારા વંશજો પરદેશમાં રહેશે, અને ત્યાંના લોકો ચારસો વર્ષ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુઃખ આપશે.
7વળી ઈશ્વરે કહ્યું કે, 'તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.'
8પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો; ત્યાર પછી ઇબ્રાહિમથી ઇસહાક થયો, તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી; પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.
9પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઇ રાખીને તેને મિસરમાં લઈ જવા સારુ વેચી દીધો; પણ ઈશ્વર તેની સાથે હતા,
10તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો અને મિસરના રાજા ફારુનની સમક્ષ તેને વિદ્વતા તથા કૃપા આપી. પછી ફારુને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો.
11પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ.
12પણ યાકૂબે જાણ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પ્રથમ વાર મિસરમાં મોકલ્યા.
13પછી બીજી વાર યૂસફે પોતાના ભાઈઓની આગળ પોતાની ઓળખાણ આપી; એટલે યુસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું.
14ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પંચોતેર માણસને પોતાની પાસે તેડાવ્યાં.
15યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા.
16તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, ને જે કબરસ્તાન ઇબ્રાહિમે રૂપાનાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યાં.
17પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ લોકોની વૃદ્ધિ થઈ અને તેઓની સંખ્યા પુષ્કળ થઈ.
18એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો.
19તેણે આપણા લોકોની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુઃખ દીધું, એટલે તેઓનાં બાળકો જીવે નહિ માટે, તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં.
20તે અરસામાં મૂસાનો જન્મ થયો, તે ઈશ્વર સમક્ષ ઘણો સુંદર હતો; પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું;
21પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો. પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.
22મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી; તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતા.
23પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું.
24તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને મૂસાએ તેની સહાય કરી, અને મિસરીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.
25ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે, એમ મારા ભાઈઓ સમજતા હશે, એવું તેણે ધાર્યું; પણ તેઓ સમજ્યા નહિ.
26તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે સમયે મૂસા તેઓની પાસે આવ્યો તેણે તેઓની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી કહ્યું કે, 'ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?'
27પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, 'અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?
28પેલા મિસરીને તેં ગઈકાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ઇચ્છે છે?'
29મૂસા આ વાત સાંભળીને નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈને વસ્યો, ત્યાં તેને બે દીકરા થયા.
30ચાળીસ વર્ષ પૂરાં થયાં ત્યારે સ્વર્ગદૂતે સિનાઈ પહાડના અરણ્યમાં ઝાડવાં મધ્યે અગ્નિની જ્વાળામાં તેને દર્શન દીધું.
31મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો; અને તે એ દ્રશ્યને જોવા સારુ પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઈ કે,
32'હું તારા પૂર્વજોનો ઈશ્વર, એટલે ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું.' ત્યારે મૂસા ધ્રૂજી ઊઠ્યો અને તેને જોવાની તેની જીગર ચાલી નહિ.
33પ્રભુએ તેને કહ્યું કે, 'તું તારા પગમાંથી ચંપલ ઉતાર; કેમ કે જે જગ્યાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.
34મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવાં હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.'
35જે મૂસાનો નકાર કરીને તેઓએ કહ્યું હતું કે, 'તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે?' તેને જે સ્વર્ગદૂત તેને ઝાડવાં મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધારક થવા સારુ મોકલ્યો.
36મૂસાએ તેઓને બહાર લાવતાં મિસર દેશમાં, સૂફ લાલ સમુદ્રમાં તથા ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યા.
37જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું કે, 'ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભા કરશે,' તે એ જ છે.
38જે મૂસા અરણ્યમાંના સમુદાયમાં હતો, જેની સાથે સિનાઈ પર્વત પર ઈશ્વરનો સ્વર્ગદૂત વાત કરતો હતો, અને આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે; અને આપણને આપવા સારું તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં;
39આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂકયો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;
40તેઓએ હારુનને કહ્યું કે, 'અમારી આગળ ચાલવા સારુ અમારે માટે દેવો બનાવ; કેમ કે એ મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી.'

Read પ્રેરિતોનાં કૃત્યો 7પ્રેરિતોનાં કૃત્યો 7
Compare પ્રેરિતોનાં કૃત્યો 7:5-40પ્રેરિતોનાં કૃત્યો 7:5-40