Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 27

પ્રેરિતોનાં કૃત્યો 27:8-38

Help us?
Click on verse(s) to share them!
8મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.
9સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ નો દિવસ વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
10'ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
11પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.
12વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાંને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
13દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
14પણ થોડીવાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
15વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
16કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે જીવનરક્ષક હોડીઓથી બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
17તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
18અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;
19ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
20ઘણાં દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.
21કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યાં પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.
22પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈનાં પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે.
23કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના સ્વર્ગદૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,
24'પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
25એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
26તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.
27ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્ર માં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
28તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું.
29રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતાં બેઠા રહ્યા.
30ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતાં હતા, અને વહાણના આગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા જીવનરક્ષક હોડીઓ ઉતાર્યા.
31ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
32તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધાં.
33દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, 'આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લાં ઘણાં દિવસથી કંઈ ખાધું નથી.
34એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈનાં માથાનો એક પણ વાળ ખરવાનો નથી.'
35પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
36ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
37વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
38બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.

Read પ્રેરિતોનાં કૃત્યો 27પ્રેરિતોનાં કૃત્યો 27
Compare પ્રેરિતોનાં કૃત્યો 27:8-38પ્રેરિતોનાં કૃત્યો 27:8-38